ફ્રેન્ડશીપ ડે શા માટે ઉજવવામાં આવે છે, જાણો તેનો ઇતિહાસ
- ફ્રેન્ડશિપ-ડે નો છે અનોખો ઈતિહાસ
- વાંચો આજે જ કેમ ઉજવાય છે આ દિવસ
- મિત્રોનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે
એવું કહેવાય છે કે જો તમને જીવનમાં સાચો મિત્ર મળે, તો સમજી લો કે તમે સાચા અર્થમાં કંઈક કમાયું છે. મિત્રતા એક એવો સંબંધ છે જે પરસ્પર સમજણ પર ચાલે છે. આપણે આપણા મિત્રને કોઈપણ સમયે અને નિ:સંકોચ કહી શકીએ છીએ. એક સાચો મિત્ર તમારા દુ: ખમાં સહારો બનીને તમારી સાથે રહે છે અને ખુશીમાં ઉત્સાહના રંગો ભરે છે. એટલે કે, મિત્રતા એક એવો સંબંધ છે જેમાં તમે એક સાથે જીવનના અનેક સ્વરૂપો જોશો.
મિત્રતાના આ બંધનને વધુ મજબૂત કરવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વખતે ફ્રેન્ડશીપ ડે 1 ઓગસ્ટ 2021 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ફ્રેન્ડશીપ ડે દ્વારા આપણે એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરીએ છીએ. એકબીજાને પાર્ટી અથવા ગીફ્ટ આપીને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરીએ છીએ અને તેમની મિત્રતાનો પાયો મજબૂત કરીએ છીએ.તો ચાલો આ પ્રસંગે તમને જણાવીએ કે, આ દિવસની શરૂઆત કેવી રીતે થઇ હતી.
ફ્રેન્ડશીપ ડે ને લઈને ઘણી વાતો પ્રચલિત છે. એક વાર્તા મુજબ, ફ્રેન્ડશીપ ડેની શરૂઆત 1935 માં અમેરિકાથી થઈ હતી. એવું કહેવાય છે કે ઓગસ્ટના પહેલા રવિવારે અમેરિકાની સરકારે એક વ્યક્તિની હત્યા કરી હતી. તે વ્યક્તિના મૃત્યુથી તેનો મિત્ર પણ આઘાત પામ્યો હતો અને તેણે પણ મિત્રના ગયાના દુઃખમાં આત્મહત્યા કરી હતી. તે દિવસથી સરકારે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
તો, અન્ય વાર્તા મુજબ, ફ્રેન્ડશીપ ડે ની શરૂઆત વર્ષ 1919 માં થઇ હતી. આનો શ્રેય હોલમાર્ક કાર્ડ્સના સ્થાપક જોયસ હોલને જાય છે. કહેવાય છે કે તે સમયે લોકો તેમના મિત્રોને ફ્રેન્ડશીપ ડે કાર્ડ મોકલતા હતા. ત્યારથી આજ સુધી આ ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. જોકે, 27 એપ્રિલ 2011 ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ તેની તારીખ 30 જુલાઈ નક્કી કરી હતી. પરંતુ ભારતમાં તે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે.
બીજી વાર્તા મુજબ, વર્ષ 1930 માં જોયસ હોલ નામના વેપારીએ આ દિવસની શરૂઆત કરી હતી. વેપારીએ આ દિવસની ઉજવણી માટે 2 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો હતો, જેથી આ દિવસે બધા મિત્રો ભેગા મળીને મિત્રતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે અને એકબીજાને કાર્ડ આપીને એકબીજા સાથે સમય પસાર કરી શકે. પાછળથી યુરોપ અને એશિયાના ઘણા દેશોએ આ પરંપરાને આગળ ધપાવીને ફ્રેન્ડશીપ ડે ની શરૂઆત કરી.