- છેલ્લા એક મહિનાથી તડકો ન નિકળતા ખરીફ પાકને વિપરિત અસર,
- ભાદર ડેમ અડધો પણ ભરાયો નથી,
- પાક નિષ્ફળ જવાની દહેશતથી ખેડુતો બન્યા ચિંતિત
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં અષાઢના પ્રારંભથી પડેલા સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું વાવેતર કરાયું છે. જેમાં જિલ્લાના જેતપુર તાલુકામાં પણ કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરાયું હતું. દરમિયાન છેલ્લા મહિનાથી સતત વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધતા કાપસ, મગફળી અને સોયાબીન સહિત પાકના છોડના પાન પીળા પડી ગયા છે. આથી પાક નિષ્ફળ જવાની દહેશતને લીધે ખેડુતો ચિંતિત બન્યા છે.
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં છેલ્લા એક મહિનાથી ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે છેલ્લા મહિનાથી ખેડૂતોએ વાવેલા મોલને તડકો મળ્યો નથી. અને સતત ઝાપટારૂપી વરસાદથી ખેતરોમાં રેસ ફૂટી નીકળ્યા, એટલે કે જમીન સતત ભેજવાળી જ રહી જેના કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા મોટા ભાગના પાક પીળા પડી ગયા છે. અને આવી જમીનોમાં ઉપજ થવાની શકયતા હવે નહિવત છે.જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
આ અંગે સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ જેતપુર પંથકમાં જે ખેડુતોની નિતારવાળી કે ફળદ્રુપ જમીન હશે તેને થોડી ઘણી ઉપજ થશે એટલે તેને પણ આઠ આની જેવી ઉપજ થશે. અને હળવા વરસાદને કારણે બોર, કૂવામાં પાણી ઉપર ચડ્યા નથી અને ભાદર ડેમ હજુ અડધાથી પણ ઓછો ભરાયો છે. એટલે શિયાળું પાકનું તો વિચારવાનું જ નથી. છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો છે જેને કારણે ખેડૂતોએ તહેવાર ઉપર પણ પાકને બચાવવા મોલની બાજુમાં ઊગી નીકળેલા ખડને નીંદવાનું કામ ચાલુ કરી દીધું છે. તેના કારણે થોડો ઘણો પાક બચાવી શકાય માટે ખેડુતો મહેનત કરી રહ્યા છે. જો પાછોતરો સારો વરસાદ થાય અને બોર, કૂવામાં પાણી ચડે, ડેમ ભરાય તો શિયાળું પાકનું વાવેતર કરી શકાય એમ છે. બાકી આ વખતે મજૂરીના પૈસા પણ માંડ માંડ નીકળશે તેવી પાકની સ્થિતિ છે. એક મહિનાથી તડકો જ ન નીકળતાં તૈયાર થઇ રહેલા પાકને વિપરીત અસર પહોંચી છે.
#KharifCrops | #WeatherImpact | #AgricultureChallenges | #RajkotFarming | #CropConcerns | #RainfallIssues | #FarmersWorries | #JeetpurFarmers | #SaurashtraWeather | #CropFailure | #BhaderDam | #AgriculturalCrisis | #FarmersAlert | #KharifSeason | #ClimateImpact