અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને પાછળ છોડીને ભારત પોતાની કુટનીતિથી આગળ નીકળી જશેઃ ચીન
નવી દિલ્હીઃ રશિયાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ આગામી દિવસોમાં પણ ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરતુ રહેવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયા પાસેથી ઓઈલની ખરીદી મામલે ભારત ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારત ઓઈલની ખરીદી કરી રહ્યું છે અને એસ.જયશંકરના નિવેદનની ચીનના મીડિયાએ પ્રશંસા કરી છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ભારત અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને પાછળ છોડીને આગળ નીકળી જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ મોસ્કોમાં કહ્યું હતું કે, રશિયા પાસેથી ઓઈલની ખરીદી ભારતમાં લાભકારક છે અને ભારત ઓઈલની ખરીદી કરતું જ રહેશે. મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત દરમિયાન જયશંકરએ નિવેદન આપ્યું હતું. તેને અમેરિકી સહિતના પશ્ચિમી દેશોને એક જવાબની રીતે જોવામાં આવી રહ્યો છે. રશિયા પાસેથી ઓઈલની ખરીદી મુદ્દે પશ્ચિમી દેશો સતત ભારત ઉપર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પહેલા પણ કેટલીકવાર ભારત-રશિયાના સંબંધો મુદ્દે સવાલો ઉઠાવનારાઓને એસ.જયશંકરે જવાબ આપ્યો હતો. અમેરિકા સાથે તણાવભર્યા સંબંધ અંગેના એસ.જયશંકરના નિવેદનની ચીને પ્રશંસા કરી છે.
એસ.જયશંકરના નિવેદનની પ્રશંસા કરતના ગ્લોબલ ટાઈમ્સના પત્રકાર હૂ શિજિનએ એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ભારત એક સ્વતંત્ર કુટનીતિવાળો દેશ છે. જે દુનિયાભરમાં પોતાની પ્રતિભામાં વધારો કરતા દરવાજા ખોલે છે. એવી આશાઓ રાખવામાં આવી રહી છે કે, ભારતનો વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રભાવ અમેરિકાને પાછળ છોડીને અનેક પશ્ચિમિ દેશોથી આગળ નીકળી જશે. ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. જે બાદ એક પછી એક અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવ્યાં છે. જો કે, ભારતે તટસ્થનીતિનું પાલન કરીને રશિયા પાસેથી ઓઈલની ખરીદી ચાલુ રાખી હતી.