અમદાવાદ: શોર્ટકટ અપનાવીને પૈસાદાર થવાનું બે યુવાનોને ભારે પડી ગયું છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચાલાવતા બે યુવાનોએ વધુ રૂપિયા મેળવવાની લાલચમાં એમડી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી, પોલીસે બન્ને યુવાનોને દબોચી લઈને 42 લાખ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી 42 લાખ રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓના નામ ડાહ્યા લાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર છે. બંને મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી છે. આ આરોપીઓએ ચાની કીટલી અને રસોઈ વ્યવસાયમાંથી બહાર નીકળી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડ્યા હોવાની કબૂલાત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, MD ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે આરોપી ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદારની ધરપકડ કરી છે. બંને ભાઈઓ પાસેથી 421.16 ગ્રામ એમડી ડ્રગ્સ, બે મોબાઈલ, એક બાઈક સહિત કુલ 42 લાખ 78 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અંધજન મંડળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક અમુક આરોપીઓ ડ્રગ્સના જથ્થાનો સોદો કરવા ઉભા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્યાં રેડ કરી આ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી તપાસ કરતા 42 લાખની કિંમતનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓની તપાસ કરતા એવી હકિક્ત જાણવા મળી હતી કે, ડાહ્યાલાલ પાટીદાર અને તેનો ભાઈ મોહનલાલ પાટીદાર શ્યામલ ચાર રસ્તા પાસે રહે છે. ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને આ ડ્રગ્સ વેચવાનો કારોબાર કરે છે. તેમજ ડાહ્યાલાલ પાટીદાર અગાઉ શ્યામલ ચાર રસ્તા પાસે જ ચાની કીટલી ચલાવતો હતો અને તેનો ભાઈ મોહનલાલ પાટીદાર રસોઈના કામ સાથે સંકળાયેલો હતો. ડાહ્યાલાલ પોતે અફીણનો બંધાણી હોય તેણે રાજસ્થાનથી અફીણ લાવવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે નશાના કારોબારમાં જોડાઈ ગયો હતો. બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ છેલ્લા છ મહિનામાં આ રીતે 8 થી 10 વખત 400 થી 500 ગ્રામ ડ્રગ્સનો જથ્થો દર વખતે રાજસ્થાનથી અમદાવાદમાં લાવ્યા છે અને અલગ-અલગ પેડલરોને વેચી લાખો રૂપિયાની કમાણી કરી છે. રાજસ્થાનના પ્રતાપગઢના લખનસિંગ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ખરીદતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હાલ એ તપાસ કરી રહી છે કે આ એમડી ડ્રગ્સ કોની પાસેથી લાવતા હતા અને અમદાવાદમાં કોને કોને વેંચતા હતા.