લેબનાન: વિસ્ફોટમાં હમાસના ટોચના અધિકારી સાલેહ અરૌરીનું મોત
નવી દિલ્હીઃ લેબનાનના દક્ષિણ બેરૂતના ઉપનગરમાં એક વિસ્ફોટમાં હમાસના ટોચના અધિકારી સાલેહ અરૌરીનું મોત થયું છે. જેની પુષ્ટિ લેબનાનના હિજબુલ્લા સમૂહના ટેલિવિઝન સ્ટેશને કરી છે.
હમાસની સૈન્ય શાખાના સ્થાપકોમાંના એક એવા સાલેહ અરૌરીએ વેસ્ટ બેન્કમાં સમૂહનું નેતૃત્વ કર્યું હતું. 7 ઑક્ટોબરે હમાસ-ઈઝરાયેલનું યુદ્ધ શરૂ થવા પહેલાં ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહુએ અરૌરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ વિસ્ફોટ સંદર્ભે ઇઝરાયેલી અધિકારીઓએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો . લેબનાનની સરકારી સમાચાર એજન્સીએ કહ્યું કે એક ઇઝરાયેલી ડ્રોન દ્વારા કરાયેલા વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે. લેબનાનની રાજધાનીનું દક્ષિણી ઉપનગર મંગળવાર સાંજે એક વિસ્ફોટથી હચમચી ગયું જેનાથી આતંકવાદી સમૂહ હિઝબુલ્લાના ગઢમાં અફરા- તફરી મચી ગઈ હતી.
આ વિસ્ફોટ લેબનાનની દક્ષિણી સીમા પર ઇઝરાયેલી સૈનિકો અને હિઝબુલ્લાના સભ્યો વચ્ચે બે માસથી વધુ સમયથી ચાલી રહેલા ગોળીબાર દરમિયાન થયો. આ અગાઉ હિઝબુલ્લાએ કહ્યું કે તેમના યોદ્ધાઓએ લેબનાન- ઈઝરાયેલ સીમા પર ઇઝરાયેલી સૈન્ય ચોકીઓને નિશાન બનાવીને ઘણા હુમલા કર્યા છે.