Site icon Revoi.in

ભારત-પાક. સરહદ પર કચ્છના સિરક્રિક વિસ્તારમાં સોડિયમ બલ્બ હટાવીને LED લાઈટ લગાવાશે

Social Share

ભૂજઃ ભારત અને પાકિસ્તાન બોર્ડરની ગુજરાત સરહદ પર લાગેલી સોડિયમ લાઇટોની રોશની હવે આવતા વર્ષે એલ.ઇ.ડી. લાઇટની ચાંદી જેવી રોશની જગમગતી દેખાશે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાન સરહદ પર લાગેલી સોડિયમ લાઇટને હટાવીને એલ.ઇ.ડી. લાઇટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એલઈડી લાઈટથી વીજળીમાં પણ બચત થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં 2017-18માં સોડિયમ લાઇટ હટાવીને એલઇડી લગાવવાનું કામ શરૂ થયું હતું જે હવે પૂર્ણ થઇ ગયું છે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ રણ વિસ્તારમાં પણ 508 કિલોમીટરમાં 2970 પોલ પર 11800 સોડિયમ લાઇટ લાગેલી છે તે હટાવીને એલઇડી લાઇટ લગાવાશે. આવતા વર્ષે દિવાળીએ બોર્ડર પર પીળી રોશનીના બદલે ચાંદી જેવી રોશની ઝળહળી ઉઠશે. આવતી દિવાળી સુધી ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ કરવાની નેમ પણ વ્યક્ત કરાઇ છે. પાકિસ્તાન સામેની 508 કીમી લાંબી સીમાએ એલઇડી નખાશે. કચ્છ-ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદે લાઇટ બદલવાનું કામ ચાલુ થઇ ગયું છે. જેમ જેમ બજેટ આવતું જાય, તેમ તેમ કામગીરી આગળ ધપતી રહે છે. આ નિરંત પ્રક્રિયા છે. કચ્છની સીમા પર અન્ય કેટલાક કામ પણ આ રીતે ચાલી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી ભારતની 3323 કિલોમીટર સરહદ જમીન પર લાગુ પડે છે, જેમાં ભારતને મોટાભાગમાં તારબંધી કરી નાખી છે. તારબંધી પર રાત્રે નજર રાખવા માટે ભારતે 2009 કિલોમીટર લંબાઇમાં ફલ્ડ લાઇટ લગાવાઇ છે. જેમાં પંજાબ, રાજસ્થાનમાં ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે ગુજરાતમાં આ કામગીરી 2022માં બાડમેરથી ગુજરાતના નડાબેટ એરીયાની બોર્ડર પર સોડિયમ લાઇટને બદલીને એલ.ઇ.ડી. લાઇટ લગાડવાનું શરૂ થશે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, ભારત-પાકિસ્તાન બોર્ડરની ગુજરાત સીમા પર અત્યારે 2970 પોલ પર 11800 સોડિયમ લાઇટ લાગેલી છે, દરેક પોલ પર ચાર લાઇટ લાગેલી છે. એક રાતમાં એક પોલ પર 12 યુનિટ વિજળીનો વપરાશ થાય છે. આમ દરરોજ 35,640 યુનિટ વિજળી વપરાય છે જેનો ખર્ચ અઢી લાખ રૂપિયા જેટલી થાય છે, એટલે કે દર મહિને 50 લાખ રૂપિયાની વીજળીનો વપરાશ થાય છે. એલ.ઇ.ડી. લાઇટ લાગ્યા બાદ વિજળીના ખર્ચમાં 55 ટકા બચત થશે.