ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ કાયમ રહેતો હોય છે. રખડતા ઢોરની સમસ્યાને કાયમી માટે દુર કરવા માટે રાજ્ય સરકાર કડક બને તેવા નિર્દેશ છે. હવે, સરકાર વિધાનસભામાં ખાસ દરખાસ્ત લાવીને ચોક્કસ નીતિ નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દરખાસ્ત કાયદો બનશે ત્યારે ઢોરોને જાહેરમાં રખડતા મૂકી દેનારા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના મામલે ગુજરાત હાઈકોર્ટેથી લઈને ભાજપના પ્રદેશ પ્રમુખે પણ ગંભીર નોંધ લીધી હતી. આ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ ત્રાસદાયક સમસ્યાના નિરાકરણ માટે કટીબદ્ધ છે. જોકે રાજ્ય સરકારના પંચાયત વિભાગ, પશુપાલન વિભાગ અને શહેરી વિકાસ વિભાગના સંકલનમાં રહીને રખડતા ઢોરોના ત્રાસમાંથી નાગરિકોને ખૂબ ઝડપથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવશે. એટલું જ નહીં વિધાનસભાના બજેટ સત્રમાં પણ આ અંગેની ખાસ દરખાસ્ત અને કાર્યવાહી અંગે પણ જાહેરાત કરવામાં આવશે. સાથે સાથે કેટલાક પશુપાલક લોકો પોતાના પશુઓને જાહેર માર્ગો ઉપર રખડતા-રઝળતા કરે છે તેવા પશુપાલકો સામે પણ કડક કાર્યવાહી કરાશે.
અમદાવાદ શહેત મહાનગરોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાઓ પર અડ્ડો જમાવીને બેસતા ઢોર પકડીને તેના માલીકોને દંડ ફટકારવામાં આવતે હોય છે. પરંતુ ઢોર પકડવાની ટીમો પૂરો ભ્રષ્ટાચાર કરતી હોવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. મ્યુનિની ટીમ રખડતા ઢોર પકડવા જાય ત્યારે તે વિસ્તારના માલધારીઓને વિભાગમાંથી કે વહીવટદાર જાણ કરી દેતા હોય છે. શહેરમાં જ્યારે ઢોર પકડવા માટે વિભાગના લોકો નીકળે અને ક્યાંય રોડ પર ઉભા રહે તો નાસ્તા પાણીની વ્યવસ્થા પણ માલધારીઓ જ કરી આપે છે. ખરેખર શહેરની આ ખૂબ મોટી સમસ્યા છે .
અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરની ફરિયાદો ઉઠવા પામી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી બાદ કોર્પોરેશનના અધિકારીઓને હાઇકોર્ટ દ્વારા ખખડાવી અને કડક કાર્યવાહી કરવા માટે કેટલાક સૂચનો કર્યા હતા. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અલગ છાપ ઊભી થાય અને ઢોર માલિકો પોતાના પશુઓ રસ્તા ઉપર રખડતા ન મૂકે તેના માટે દંડમાં પણ વધારો કરવા માટે સૂચન કર્યું હતું. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને CNCD વિભાગે હાલમાં ઢોર છોડાવવા માટે 3000 રૂપિયા દંડ અને 1000 રૂપિયા વહીવટી તેમજ ખોરાક ચાર્જ લેવામાં આવે છે. જો બીજી વખત પશુ પકડાય તો 150 ટકા દંડ અને ત્રીજી વખત પકડાય તો 200 ટકા દંડ તેમજ ચોથી વખત પકડાય તો ઢોર નહીં પકડવા અને તેનું રજિસ્ટ્રેશન કરવા સુધીના કડક પગલાં લેવા અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવાની દરખાસ્ત આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં મૂકી હતી. આજે કમિટિ દ્વારા આગામી સમયમાં વિચારણા માટે બાકી રાખી હતી.