અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે, ત્યારે મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચીજ-વસ્તુઓના ભાવ વધતા જાય છે. હવે તો શાકભાજીના ભાવ પણ વધી ગયા છે. ત્યાં જ શિયાળામાં જ શાકભાજી સસ્તી નથી થઇ તો ઉનાળામાં તો આશા શુ રાખવાની? ઉનાળાની શરૂઆત થઈ છે ધીમે ધીમે તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે ઉનાળામાં સ્વાસ્થ માટે લીંબુપાણી સારું કહેવાય છે. પરંતુ ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદના જમાલપુર રિટેલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ 90 થી 100 રૂપિયા છે. અને વેપારીઓનું માનવું છે, કે ઉનાળામાં હજી પણ લીંબુનો ભાવ વધશે.
અમદાવાદના લીંબુના જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થઈ છે અને લીંબુની આવક ઓછી થઇ ગઇ છે. મહેસાણા તરફથી આવતા લીંબુની આવક ઓછી છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, અને ગુજરાતના વિજાપુર તરફથી લીંબુની આવક આવે છે. જમાલપુરના રિટેલ માર્કેટમાં લીંબુના પ્રતિકિલો 90 થી 100 રૂ. ભાવ છે અને હજી પણ ભાવ વધારો થશે.
લીંબુના છૂટક વેપાર કરતાં વેપારીઓના રહેવા મુજબ જમાલપુર માર્કેટમાં લીંબુના ભાવ એક કિલોના 100 રૂપિયા છે. જે અન્ય વિસ્તારમાં 150 આસપાસ મળે છે. જમાલપુર અને બીજા માર્કેટના ભાવમાં ઘણો તફાવત હોય છે શાકભાજી તો શિયાળામાં પણ સસ્તું મળ્યું નથી મળ્યું અને ઉનાળામાં તો ભાવ વધી જતાં હોય છે. જમાલપુર રિટેલ માર્કેટમાં ભીંડા 70 થી 80 રૂ. કિલો છે, ગવાર 100થી 120 રૂ.કિલો, ટીંડોળા 70 થી 80 રૂ./કિલો, ફ્લાવર 50 રૂ તો રીંગણ 30 થી 40 રૂ પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ શાકભાજીના ભાવમાં વધારો થશે.
શાકભાજીના હોલસેલ વેપારીના કહેવા મુજબ ઉનાળાની શરૂઆત થઈ ગઇ છે સાથે જ ઉનાળુ શાકભાજી આવકની આવક શરૂ થઈ છે. શિયાળામાં શાકભાજીના ભાવ હતા તે સ્થિર છે. અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોય છે. જો કે લીંબુના ભાવ તો વધી રહ્યા છે પરંતુ હવે ઉનાળો આગળ વધતા શાકભાજીના ભાવ પર અસર જોવા મળશે.