પાલનપુરઃ જિલ્લાના કાંકરેજ તાલુકાના નાનાજામપુરામાં નદી વિસ્તારમાં સવારે દીપડાએ 2 વ્યક્તિને પંજો મારી ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ બપોરે અચાનક ગામની સીમમાં દીપડો દેખા દેતાં વન વિભાગનો સ્ટાફ પાંજરું લઈ ગામમાં પહોંચ્યો હતો. જેસોર અભયારણ્ય વિસ્તારના જંગલથી 111 કિલોમીટરનું અંતર કાપી બનાસ નદીના પટમાં ફરતો ફરતો દીપડો કાંકરેજ નાનાજામપુરા પહોંચી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. ખેતરમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ હતી.
કાંકરેજ તાલુકાના નાનાજામપુરની નદી વિસ્તારમાં વહેલી સવારે દીપડાએ નદી વિસ્તારમાંથી પસાર થઇ રહેલાં વધાજી ભૂપતાજી ઠાકોર અને કિરીટજી વધાજી ઠાકોર ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બન્ને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગામલોકો દ્બારા તપાસ હાથ ધરાતાં વન્ય પ્રાણીના પગના ફોટા વાઇરલ થયા હતા. દીપડાના પગ હોવાની વાત વહેતી થતાં ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે કાંકરેજ ફોરેસ્ટને જાણ કરાતાં વનરક્ષકો, ફોરેસ્ટ ઓફિસરોએ ઘટનાસ્થળે પહોચી દીપડાની શોધખોળ માટે કામગીરી ચાલુ કરી હતી. આરએફઓએ જણાવ્યું હતું કે જે સ્થળે દીપડો બેઠો હતો ત્યાં એરિયા કોર્ડન કરી દેવાયો છે. લોકો વધુ હોવાથી કામગીરીમાં ખલેલ ના પડે એ માટે થરા પોલીસને જાણ કરાઈ હતી. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે દીપડો એક રાતમાં 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. કૂતરો, સસલાં, ગાય-ભેંસનાં બચ્ચાં સહિતના અન્ય ખોરાકની શોધમાં દીપડાઓ પોતાની હદ વધારતા રહે છે.