અમદાવાદઃ ગુજરાતમાં દીપડાંની વસતીમાં વધારો થયો છે. દીપડાંની સંખ્યા 2274 થઈ છે. જેમાં સૌથી વધુ દીપડાંની વસતી જૂનાગઢ જિલ્લામાં 578 અને ગીર સોમનાથ જિલ્લામાં 257 જેટલી છે. ગુજરાતમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકા વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે. દીપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં 59.6 ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો વધુ મોટો થયો છે. આ વિસ્તારમાં દીપડાની સંખ્યામાં 145 ટકાનો વધારો થયો છે. એટલે કે 2016માં જ્યાં 211 હતા ત્યાં આજે 518 થયાં છે. ઉત્તર ગુજરાતમાં 91ની સંખ્યા વધીને 152 થઇ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં દીપડાની વર્ષ 2016ની 393ની સંખ્યા સામે ૨૦૨૩માં 487 જોવા મળી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વન વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યમાં 2274 દીપડા જોવા મળ્યાં છે. સૌથી વધુ દીપડા સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. છેલ્લે 2016માં જ્યારે ગણતરી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં 1395 જેટલી દીપડાની સંખ્યા હતી. હવે તેમાં ધરખમ વધારો થયો છે. જેમાં 40 ટકા દીપડા માનવ વસાહત નજીક જોવા મળ્યા છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સંખ્યા દીપડાં વસવાટ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાની વસતી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે પરંતુ કોરાના સંક્રમણના કારણે આ વખતે સમયસર ગણતરી થઇ શકી ન હતી. વન વિભાગના તાજેતરના સર્વેમાં કેટલીક બાબતો પ્રકાશમાં આવી છે. જેમાં રાજ્યમાં દીપડાની સૌથી વધુ 578 જેટલી સંખ્યા જૂનાગઢ જિલ્લામાં છે. ગીરનો જંગલ વિસ્તાર સિંહોની જેમ દીપડાઓને પણ અનુકૂળ આવી ગયો છે.
વન વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં દીપડાની સૌથી વધુ 578 જેટલી સંખ્યા જૂનાગઢમાં છે. ગીર સોમનાથમાં 257 દીપડા જોવા મળ્યા હતા. એવી જ રીતે દાહોદમાં 20, પંચમહાલમાં 119, અને છોટા ઉદેપુરમાં 111ની સંખ્યા થઇ છે. છ વર્ષ પહેલાં જુનાગઢમાં 354 અને ગીર સોમનાથમાં 111 દિપડા હતા. આમ રાજ્યમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે. દિપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં 59.6 ટકા વધી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો વધુ મોટો થયો છે. આ વિસ્તારમાં દીપડાની સંખ્યામાં 145 ટકાનો વધારો થયો છે. એટલે કે 2016માં જ્યાં 211 હતા ત્યાં આજે 518 થયાં છે. ઉત્તર ગુજરાતમાં 91ની સંખ્યા વધીને 152 થઇ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં દિપડાની 2016ની 393 ની સંખ્યા સામે 2023માં 487 જોવા મળી છે.