પાલિતાણાઃ જૈનોના તિર્થધામ ગણાતા પાલિતાણાના ડુંગરાળ અને આસપાસના વિસ્તારોમાં દીપડાંઓ અવાર-નાવર જોવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં શેત્રુંજી નજીક આવેલા રાજવાડી વિસ્તારમાં દીપડાએ એક ડઝન જેટલા ઘેટા બકરાનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. દરમિયાન પાલિતાણામાં છ ગાંઉની યાત્રામાં ઘણાબધા ભાવિકો ભાગ લેતા હોય છે. ત્યારે તેમની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવશે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ પાલિતાણામાં શેત્રુંજી નજીક આવેલા રાજવાડી વિસ્તારમાં દીપડાએ એક ડઝન જેટલા ઘેટા બકરાનું મારણ કર્યુ હતુ. બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. પાલિતાણાના ડુંગર વિસ્તાર ઉપરાંત દેદરડા, કંજરડા, આદપુર, હસ્તગીરી રોડ તેમજ ડુંગરની રાજસ્થળી વિસ્તારમાં જંગલી પ્રાણીઓની આવન જાવન વધી રહી છે. ત્યારે વન વિભાગ પણ એલર્ટ બન્યો છે. પાલિતાણામાં છ ગાઉંની યાત્રાનું વિશેષ મહાત્મ્ય હોવાથી ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. આથી વન વિભાગ દ્વારા યાત્રિકોની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.
સૂત્રોએ કહ્યુ હતું કે, પાલિતાણામાં રાજવાડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામની મઢુલીની પાસે માલધારી રાઘવભાઈ પેથાભાઈ સાટીયાના વાડામાં રાખેલા ઘેટા બકરાં પર દીપડાએ હુમલો કરી 8 ઘેટા અને 1 બકરીનો શિકાર કર્યો હતો. જ્યારે 14 ઘેટા અને 1બકરી ઈજાગ્રસ્ત બન્યા હતા. દરમિયાન વન વિભાગના આર.એફ.ઓ. પરમારના કહેવા મુજબ દીપડાએ હુમલો કર્યો હોવાની શંકા છે. અમે સ્થળ નિરીક્ષણ કરી દીપડાને પાંજરે પુરવા યોગ્ય તજવીજ કરી રહ્યા છીએ. (file photo)