ભારતમાં વર્ષો બાદ ફરી ચિત્તા જોવા મળશે, આઠ ચિત્તા નામીબિયાથી લવાશે
નવી દિલ્હીઃ ભારતમાં હાલ સિંહ, વાઘ અને દીપડા સહિતના જાનવરો જોવા મળે છે. જ્યારે ચિત્તા વર્ષોથી લુપ્ત થઈ ગયા છે, જો કે, ભારતમાં 70 વર્ષ બાદ ફરીથી ચિત્તા જોવા મળશે. મધ્યપ્રદેશમાં ચિતાઓના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શ્યોપુરના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 8 ચિત્તા લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 15 ઓગસ્ટ સુધીમાં ચિત્તા કુનો પહોંચી જશે.
નામિબિયાથી ભારતમાં આવતા 8 ચિત્તા (4 નર અને 4 માદા) દક્ષિણ આફ્રિકાની પ્રિટોરિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર એડ્રિયન ટ્રોડિફની દેખરેખ હેઠળ છે. પ્રો. ટ્રોડિફે આ ચિત્તાઓની તસવીરો અને વીડિયો પહેલીવાર ઉપલબ્ધ કરાવ્યા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટે નામીબિયાથી ચિત્તાઓને હવાઈ માર્ગે જોહાનિસબર્ગ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે લગભગ 2 કલાક 10 મિનિટ લેશે. તેમને તે જ દિવસે જોહાનિસબર્ગથી દિલ્હી લાવવામાં આવશે. તેમને ચાર્ટર પ્લેન દ્વારા દિલ્હીથી ગ્વાલિયર લાવવામાં આવશે. અહીંથી કુનો રોડ માર્ગે લઈ જવામાં આવશે. એટલે કે, 13-14 ઓગસ્ટ સુધીમાં ચિત્તા કુનો પાર્કમાં પહોંચવાની અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં વસવાટ કરતા એશિયાટીક લાયન સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે, આ ઉપરાંત બંગાળના ટાયગર પણ સમગ્ર દેશમાં જાણીતા છે. આમ ભારતમાં સિંગ, વાઘ અને દીપડાની સાથે ચિત્તા જોવા મળશે.