ગાંધીનગરઃ નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ 1955થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં મલ્ટી ડ્રગ્સ સારવાર પદ્ધતિ અમલમાં આવતા વર્ષ 1983થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2018-19થી અત્યાર સુધીમાં અંદાજે 21,000થી વધુ દર્દી રક્તપિત્ત મુક્ત થયા છે.
રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રક્તપિત્ત નિર્મૂલન કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા તા.1લી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી-2024 સુધી ‘લેપ્રસી ડિટેકશન કેમ્પેઈન’ વિવિધ જિલ્લાઓમાં ચલાવવામાં આવશે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વઘુમાં જણાવ્યાનુંસાર, રાજ્યના 12 હાઈએન્ડેમીક તથા 10 લો એન્ડેમીક જિલ્લાઓ કે જેમાં આણંદ, ભાવનગર, ડાંગ, ગાંધીનગર, ગિરસોમનાથ, જૂનાગઢ, ખેડા, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને તાપી મળી કુલ 22 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓના નિયત કરેલા 141 તાલુકાઓમાં લેપ્રસી ડિટેકશન કેમ્પેઈન ચલાવવામાં આવશે. આ કેમ્પેઈનમાં આશા અને પુરુષ વોલેન્ટીયર્સની ટીમ દ્વારા તા. 1લી જાન્યુઆરી 2024થી 19 જાન્યુઆરી-2024 દરમિયાન ઘરે ઘરે જઈને રકતપિત્ત અંગે નાગરિકોને સમજ આપશે. ઘરના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે તપાસણી કરવામાં આવશે. જે વ્યક્તિને રક્તપિત્તના શંકાસ્પદ ચિહ્નો જણાય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે મોકલી આપવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું. (File photo)