Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના મંદિરો-શક્તિપીઠોમાં રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ યોજાશે, આવા કાર્યક્રમ માટે સરકાર ફંડ આપશે

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના મંદિરો અને શક્તિપીઠોમાં રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠનું આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ ડીએમ માટે જિલ્લા, તહસીલ અને બ્લોક સ્તરે આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે તૈયારીઓ કરવા જરુરી સુચનાઓ આપવામાં આવી છે. આમ યોગી આદિત્યનાથ સરકારે મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ સોફ્ટ હિંદુત્વની રાજનીતિ અપનાવીને મંદિરોમાં ફરી રહ્યાં છે. રામચરિતમાનસ વિવાદ વચ્ચે અખિલેશ યાદવે હિન્દુત્વ પર ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા સીએમ યોગી આ પ્રકારની આયોજનથી વિપક્ષને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

મંદિરો અને શક્તિપીઠોમાં રામાયણ અને દુર્ગા સપ્તશતીના આયોજનની તૈયારીઓની જાહેરાતથી હવે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. આવી સ્થિતિમાં તેનો વિરોધ કરી રહેલા પક્ષોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સાથે જ ભાજપ આ પ્રકારના ઈવેન્ટ દ્વારા સરકારની એક અલગ સિદ્ધિ લોકો સમક્ષ લાવશે. યોગી સરકારે જિલ્લા સ્તરે આ પ્રકારના કાર્યક્રમ માટે એક લાખ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. રામનવમીના દિવસે આ યોજના હેઠળ મંદિરોમાં અખંડ રામાયણ પાઠ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત શક્તિપીઠોમાં દુર્ગા સપ્તશતીનું આયોજન કરીને વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જવાની તૈયારીઓ ચાલી રહી છે. મંદિરોને બ્લોક લેવલે માર્ક કરીને ઈવેન્ટ માટે ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેમાં કોઈ કમી ન રહે.

22મી માર્ચથી ચૈત નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દરમિયાન મંદિરો અને શક્તિપીઠોમાં કાર્યક્રમો યોજવાની તૈયારીઓ કરવામાં આવી છે. રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમો માટે તમામ જિલ્લાઓને એક લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. તમામ જિલ્લાઓને 21 માર્ચ સુધીમાં તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.