Site icon Revoi.in

દિવ્યાંગ બાળકો સન્માન સાથે જીવન જીવી શકે તે માટે સંકલ્પબદ્ધ બનીએઃ શિક્ષણ મંત્રી

Social Share

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વિશ્વ દિવ્યાંગ દિવસની ઊજવણી પ્રસંગે જણાવ્યું હતું કે, સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ શિક્ષણ મેળવી સન્માન સાથે ઉત્સાહભેર જીવન જીવી શકે તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.

ગાંધીનગર ખાતે આજે તારીખ ૩ ડિસેમ્બર-વિશ્વ દિવ્યાંગ દિવસની રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાય તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

મંત્રી વાઘાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગોને સમાજમાં વિશેષ સન્માન મળે તેવા ઉદ્દેશ્યથી તેમને ‘દિવ્યાંગજન’ તરીકે સંબોધન કરીને વિશેષ ઓળખ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર પણ દિવ્યાંગજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતા તમામ લાભો, તેમના અધિકારો સમયસર મળી રહે જેના થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યભરની શાળાઓમાં સામાન્ય બાળકોની સાથે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી શકે તેવું વધુ સારુ વાતાવરણ ઉભું કરવું પડશે. દિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક હૂંફ મળી રહે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી વિવિધ સહાય છેક છેવાડાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેની વધુ ચિંતા કરવી પડશે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને અને તેમની સાથે જોડાયેલા શિક્ષકોને પણ ગુણવત્તાયુક્ત તાલીમ મળી રહે તેની સતત ચિંતા કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જ શિક્ષણ તેમજ સરકારી નોકરીમાં પણ દિવ્યાંગોને ખાસ અનામત આપવામાં આવી છે,

તેમણે સંવેદના સાથે આપણા વિવિધ ઉત્સવો, જન્મદિવસ કે આપણા સ્વજનની પુણ્યતિથિ આપણે દિવ્યાંગ બાળકો સાથે ઉજવીને તેમને વધુ પ્રોત્સાહિત કરી સંકલ્પબદ્ધ બનવા પણ ઉપસ્થિત સૌ શિક્ષકો, વાલીઓ, SMCના સભ્યો અને અધિકારીઓને આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે એલીમકો ઉજ્જૈન દ્વારા અસેસમેન્ટ કરેલ જુદીજુદી દિવ્યાંગતાવાળા રાજ્યભરના ૨૪ હજાર જેટલાં બાળકોને સાધન સહાય વિતરણ કરાયું હતું. જેના ભાગરૂપે પાંચ બાળકોને પ્રતિકરૂપે સાધન સહાય વિતરણ, પાંચ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ & એસ્કોર્ટ એલાઉન્સના રૂ-૨૫૦૦/-ની રકમના ચેક તેમજ દિવ્યાંગ કન્યાઓને પ્રોત્સાહન મળે એ માટે  રૂ-2000/-ની રકમના ચેકનું શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણી સહિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.