1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નાગરિકાને ફરિયાદનો કોઈ અવકાશ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએઃ CM
નાગરિકાને ફરિયાદનો કોઈ અવકાશ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએઃ CM

નાગરિકાને ફરિયાદનો કોઈ અવકાશ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએઃ CM

0
Social Share
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીનો પ્રારંભ,
  • સરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલી ઓપન હશે એટલા ગ્રિવન્સીસ ઘટશે,
  • મુખ્યમંત્રીએ RTI એક્ટની ત્રણ લઘુ પુસ્તિકાનું વિમોચન કર્યું

 ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભ નાગરિકોને ઘર આંગણે પહોચાડવાની વ્યવસ્થા ઊભી કરીએ, જેથી ફરિયાદનો કોઈ જ અવકાશ ન રહે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં NFSU કેમ્પસ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજિત આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણીના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતાં.

આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાજનોને ઘરે બેઠા યોજનાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વ્યવસ્થાના ભાગરૂપે નાગરિકોને સેચ્યૂરેશન એટલે કે 100 ટકા લાભ મળે એવો સરકારનો પ્રયાસ છે.

પોતાને મળતા લાભો કઈ રીતે મળશે એ અંગેના નિયમો-કાર્નીયપદ્ધતિની નાગરિકોને સ્પષ્ટપણે જાણ હોવી જોઈએ. નાગરિકોને ઘર આંગણે પારદર્શી રીતે સેવા મળશે તો આર.ટી.આઈ. અંતર્ગત અરજીઓ પણ ઓછી થઈ જશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર વધુને વધુ કઈ રીતે લોકોપયોગી થઈ શકે તે માટે હરહંમેશ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રયત્ન કર્યો છે. એટલે જ તેમના પર દિનપ્રતિદિન નાગરિકોનો વિશ્વાસ વધ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલા ઓપન થશે એટલા ગ્રિવન્સીસ ઘટશે. લોકશાહીમાં હક અને ફરજો બંને સામેલ છે. હક્કની સાથે આપણી ફરજો નિભાવવી એ પણ એટલુ જ અગત્યનું છે એમ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વર્ષ 1995માં ગુજરાતનું બજેટ 26થી 30 હજાર કરોડ હતું જે આજે 3.32 લાખ કરોડ રૂપિયા થયું છે. સરકારી યોજનાનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. આ સ્થિતિમાં નાગરિકોનો સહયોગ મળે તે પણ જરૂરી છે. આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કોઈ રાગ-દ્વેષના સ્થાને તંદુરસ્ત હરિફાઈ થાય તે જરૂરી છે. વિકસિત ભારત માટે એક થઈને કાર્ય કરવું પડશે.

ગુજરાતે વાવાઝોડા સામે એકસંપ થઈ કરેલા સામુહિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વાવાઝોડા સમયે પ્રજાજનો, જનપ્રતિનિધિઓ અને સરકારી તંત્રએ કરેલા કાર્યને દેશ-દુનિયાએ પણ વખાણ્યુ છે અને સામુહિક પ્રયાસોથી આપત્તિનો સામનો કરવામાં સફળતા મળી છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત એકસંપથી આગળ વધશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારના મુખ્ય માહિતી કમિશનર  હીરાલાલ સામરીયાએ ગુજરાત સરકારની આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આર.ટી.આઇ. એક્ટની અરજદારોને સુગમતા આપવાની ગુજરાત માહિતી આયોગની કામગીરીને બીરદાવી હતી. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝન અંતર્ગત સમગ્ર દેશમા સામાન્ય નાગરિકને પણ માહિતી મેળવવાનો અધિકાર મળે જેથી તંત્ર અને લોકો વચ્ચે પારદર્શિતાથી સરકાર પર વિશ્વાસ વધે છે. પવિત્ર આર.ટી.આઈ એક્ટથી દેશના સામાન્ય માણસને માહિતી મેળવવી સરળ બની છે અને સરકારમાં પારદર્શકતા વધી છે. સરકારના તમામ વિભાગોએ માહિતી પોતાની વેબસાઈટ પર મુકવી જોઈએ તેમ  સામરિયાએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

વધુમાં  સામરિયાએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા લોકો આર.ટી.આઈ એક્ટથી અજાણ છે. તેમના માટે આર.ટી.આઈને લગતી માહિતી સામાન્ય નાગરિકને મળી રહે તે માટે વિવિધ સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન કરી તેમને માહિતગાર કરવા જોઈએ.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોનીએ જણાવ્યું હતું કે, આર.ટી.આઈના કાયદા થકી નાગરિકોને સરકાર જોડેથી માહિતી મળવી સરળ બની છે. આર.ટી.આઈના કાયદાની અમલવારી થકી સરકારે ખુબ જ મહત્વની ભૂમિકા અદા કરી છે. રાજ્યમાં 40 હજાર જેટલા માહિતી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. માહિતી આયોગે આધુનિક ટેકનોલોજીની મદદથી 2500થી વધારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાગરિકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. માહિતી આયોગ દ્વારા તમામ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો અભિગમ રાખવામાં આવે છે. માહિતી આયોગ દ્વારા અપીલ, ફરિયાદ અને તેની સ્થિતિની સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે 11 હજારથી વધુ જાહેર સત્તામંડળો ફરજ બજાવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code