ગાંધીનગરઃ મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત રાજયકક્ષાની આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે થઈ હતી. જેમાં મંત્રીએ નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓ ખાતે ‘સેફ સ્પેસ એડોલેશન રીસોર્સ સેન્ટર’નું તથા રાજ્યના 22 જિલ્લાઓ ખાતે સખી મેળાઓનું ઈ-લોન્ચીંગ કર્યું હતું. તેમજ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલી દીકરીઓ સાથે મંત્રીએ વર્ચ્યુઅલી સંવાદ કરી રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓથી થતા લાભોની માહિતી આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી વકીલે ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન 2015થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમાજના લોકોમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટકોણ બદલાય, દીકરીઓના જન્મનો સહર્ષ સ્વીકાર થાય અને સમાજના લોકોના સંકુચિત માનસ પટ્ટમાં બદલાવ લાવી દીકરા દીકરી એક સમાનનો નવો દૃષ્ટિકોણ આવે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કાર્યાન્વિત છે.
મંત્રીએ કહ્યું કે, આજના “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ભારત સરકાર દ્વારા નિયત થયેલ “કિશોરી કુશળ બનો” થીમ આધારિત આજે તા.11 અને તા. 12 ઓક્ટોબર 2022ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત 22 જિલ્લાઓમાં સખી મેળાઓ તેમજ નર્મદા તથા દાહોદ જિલ્લાના 14 તાલુકાઓ ખાતે યુનિસેફના સહયોગથી “સેફ સ્પેસ અને એડોલેસન્ટ રિસોર્સ સેન્ટર” શરૂ કરાયા છે. જેનો લાભ સમુદાયોની કિશોરીઓ લેતી થાય તે માટે સૌને સાથે મળી પ્રયત્નો કરવા અનૂરોધ કર્યો હતો.