ગાંધીનગરઃ રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ કાયમ વિવાદોમાં રહેતુ હોય છે. અને પાઠ્ય પુસ્તક મંડળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ અવાન-નવાર થતા હોય છે. પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટાપાયે ગેરરીતિઓ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. તેમ છતાં આવા કર્મચારીઓ અને અધિકારીઓની સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મોટાપાયે ગેરરિતિઓ કરવામાં આવી છે. જે અંગે ગુજરાત વાલી મંડળ દ્વારા પુરાવા સાથે અનેક વખત પાઠ્યપુસ્તક મંડળના નિયામક અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રજુઆત કરી છે. તેમ છતાં મંડળના ભ્રષ્ટ અને વગદાર અધિકારીઓ અને કર્મચારીઓની વિરૂદ્ધ પાઠ્ય પુસ્તક મંડળ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહી હોવાનો આક્ષેપ ગુજરાત વાલી મંડળના પ્રમુખે કર્યો છે. વધુમાં ગુજરાત વાલી મંડળના પ્રમુખે જણાવ્યું છે કે પાઠ્ય પુસ્તક મંડળના વિષય નિષ્ણાંત કર્મચારીએ તરીકે ખોટા બનાવટી પુરાવાઓ રજુ કરીને નોકરી મેળવી છે.મંડળના એક કર્મચારીએ પોતાની સાચી ઉંમર છુપાવીને નોકરી મેળવી છે. પાઠ્ય પુસ્તક મંડળના કર્મચારીની છેલ્લા 25 વર્ષથી બદલી પણ થતી નથી. ઉપરાંત પુસ્તકો છાપવા માટેના પેપરનો એક જ વ્યક્તિને ઓર્ડર મળતો હતો. કર્મચારી દ્વારા 20 ટકા ઘર ભાડું અધિકારીઓના વગથી મેળવી રહ્યા છે. ઉપરાંત એક કર્મચારીએ સરકારની વિવિધ યોજનાઓના આવાસો તેમના અને પરિવારના નામે લીધા હોવાના ગુજરાત વાલી મંડળના પ્રમુખે આક્ષેપ સાથે મુખ્યમંત્રી સહિતને લેખિત રજુઆત કરી છે.