ગુજરાતની 7 યુનિવર્સિટીઓના કૂલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટીમાં સભ્ય નિમવા UGCને પત્ર
અમદાવાદઃરાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી સહિત સાત જેટલી સરકારી યુનિવર્સિટીઓની મુદત પૂર્ણ થતી હોવાથી નવા કૂલપતિઓની નિમણૂકો માટે સર્ચ કમિટીઓ બનવવામાં આવી છે. જેમાં રાજ્યપાલ અને રાજ્ય સરકારના પ્રતિનિધિના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે નિયમ મુજબ યુજીસીના સભ્યનો સર્ચ કમિટીમાં સમાવેશ કરવો જરૂરી હોવાથી સર્ચ કમિટી દ્વારા કોઈ નામ સુચવવામાં આવ્યું નથી, આથી રાજ્યના શિક્ષણ વિભાગે યુજીસીને પત્ર લખીને સર્ચ કમિટીમાં નામ સુચવવાની વિનંતી કરવામાં આવી છે. જો કે હજુ યુજીસી દ્વારા કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની 7 જેટલી સરકારી યુનિવર્સિટીમાં હાલ કુલપતિની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કુલપતિની નિમણૂક જે સર્ચ કમિટી દ્વારા થાય છે તે સર્ચ કમિટીમાં UGCના સભ્ય હોવા જરૂરી છે જેથી શિક્ષણ વિભાગ દ્વારા UGCને પત્ર લખીને સર્ચ કમિટીના સભ્યમાં UGCના સભ્યની નિમણૂક કરવા પત્ર લખ્યો છે. પત્ર લખ્યાના એક અઠવાડિયા કરતા વધુ સમય વીત્યા છતાં હજુ સુધી UGC દ્વારા સર્ચ કમિટીમાં કોઈ સભ્યની નિમણૂક કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો કે, દરેક યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં UGCના એક સભ્યની નિમણૂક કરવી ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ આવ્યા બાદ યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં UGCના સભ્યને મુકવામાં આવે છે. ગુજરાતમાં અત્યારે અનેક યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટી બની છે પરંતુ હજુ સુધી તેમાં UGCના સભ્યની નિમણૂક કરવામાં આવી નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 7 અલગ અલગ યુનિવર્સિટીની સર્ચ કમિટી બની ગઈ છે, પરંતુ 7 યુનિવર્સિટીમાં સર્ચ કમિટીમાં હજુ UGCના સભ્યની નિમણૂક થઈ નથી જે માટે શિક્ષણ વિભાગના સચિવ બી.એસ પરમાર દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેનને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સર્ચ કમિટીમાં UGCના સભ્ય હોવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા 4 મેએ ઠરાવ કર્યો હતો. ઠરાવ થયાના 10 દિવસ કરતા વધુ સમય વીત્યો છતાં UGC દ્વારા 7 અલગ અલગ યુનિવર્સિટીમાં સર્ચ કમિટીના સભ્યનું નામ આપવામાં આવ્યું નથી જેના કારણે યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકની પ્રક્રિયા અટકી છે. સાતેય યુનિવર્સિટીની સર્ચ કમિટી બની ચુકી છે. હવે માત્ર સર્ચ કમિટીમાં UGCના સભ્યની રાહ જોવાઇ રહી છે તે બાદ અરજી મંગાવીને સ્ક્રુટીની કરીને તેમાંથી નામ ફાઇનલ કરી કુલપતિ માટેનું નામ જાહેર કરવામાં આવશે.