પાકિસ્તાનથી આવેલા 11 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા
અમદાવાદ : શહેરમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતના નાગરિકતા પત્ર જિલ્લા કલેક્ટર દ્વારા એનાયત કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેના અરજીપત્રક સ્વીકારીને આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા છે. નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ જ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ 9 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા આપવામાં આવતી હોય છે. જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 868 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા.