ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને લખલા પત્રો અમદાવાદ આશ્રમને ભેટ અપાયાં
અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને વર્ષ 1920થી 1948 સુધી લખેલા પત્રો સહિત ગાંધીજીના લખેલા પત્રો ગાંધી પરિવારે અમદાવાદના ગાંધી આશ્રમને આપ્યાં હતા. ગાંધી પરિવારે આ પત્રો વર્ષો સુધી સાચવી રાખ્યાં હતા. ગાંધીજીના ચાર પુત્ર હતા. જેમાં ચોથા પુત્ર દેવદાસ ગાંધી હતી. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ આ પત્રો સાબરમતી આશ્રમને આપ્યાં છે. ગાંધી પરિવાર તરફથી આશ્રમને કુલ 550 પત્રો ભેટ મળ્યા છે, જેમાં ગાધીજીએ લખેલા 190 પત્રોનો સમાવેશ થાય છે.
ગાંધી પરિવાર તરફથી અમદાવાદના સાબરમતી આશ્રમને આપેલા પત્રોમાં ગાંધીજીએ હિન્દુ-મુસ્લિમ એકતા માટે કરેલા 21 દિવસના ઉપવાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે દેવદાસને ઉપવાસ સંદર્ભે પત્રો લખ્યાં હતા. આઝાદીની લડાઈ સમયે ગાંધીજી યેરવડા જેલમાં અને દેવદાસ ગોરખપુર જેલમાં હતા ત્યારે બંને વચ્ચે પત્ર વ્યવહાર થયો હતો. કસ્તુરબા ગાંધીએ લખેલા પત્રો તથા સરદાર પટેલે દેવદાસને લગ્ન પ્રસંગે લખેલો પત્ર પણ તેમાં સામેલ છે. એટલું જ નહીં મહાદેવ દેસાઇ અને ચંદ્રશંકર શુક્લએ સાબરમતી આશ્રમની ગતિવિધિ વિશે દેવદાસને કેટલાક પત્રો લખ્યા હતા આ પત્રો પણ આશ્રમને આપવામાં આવ્યાં છે. વર્ષ 1931માં ગાંધીજી બ્રિટનમાં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા હતા. તે સમયે ગાંધીજીની મુલાકાતોની જે ડાયરીમાં નોંધ થઈ હતી. તે ડાયરી પણ સાબરમતી આશ્રમને આપવામાં આવી છે. ગાંધીજીની સાથે બ્રિટન દેવદાસ ગાંધી અને મહાદેવ દેસાઈ પણ ગયા હતા.