લાયસન્સ માટે હવે RTO કચેરી સુધી લાંબા નહી થવુ પડે, ડ્રાઈવિંગ સ્કૂલમાં ટ્રેનિંગથી મળી જશે
અમદાવાદ: વાહનોના ડ્રાઈવિંગ લાયસન્સ મેલવવા માટે હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહીં થવું પડે, કારણ કે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્ય સરકારે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપવાની માર્ગદર્શિકા બહાર પાડી છે. આવી ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધા પછી વિદ્યાર્થીઓને આરટીઓ દ્વારા લેવામાં આવતી ડ્રાઇવિંગ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. ગાઈડલાઇન્સ અનુસાર, માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલોની પોતાની જમીન અને તાલીમ સંસ્થા હોવી આવશ્યક છે. જો તાલીમાર્થીએ 60 ટકા અથવા વધુ ગુણ મેળવ્યા હોય તો જ સંસ્થા પ્રમાણપત્ર આપશે.
પ્રમાણપત્રના આધારે અધિકારીઓ દ્વારા આરટીઓમાં કોઈ પણ પરીક્ષા લીધા વિના ઉમેદવારને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે. આરટીઓ સંસ્થા દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રના આધારે લાઇસન્સ આપશે. જો કે, સંસ્થાએ ઉમેદવારનો રેકોર્ડ રાખવો પડશે જે જરૂરી હોય ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસી શકાય. જો કે, હાલની ડ્રાઇવિંગ સ્કૂલોમાં તાલીમ લેનારાઓએ આરટીઓની ડ્રાઈવિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
આરટીઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવા નિયમો હાલની સ્કૂલને બંધ કરશે નહીં. તેમણે કહ્યું, ‘આ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલો આરટીઓ પરનો ભાર ઘટાડશે અને આરટીઓમાં પરીક્ષા આપ્યા વિના ઉમેદવારોને ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે. જ્યાં સામાન્ય રીતે ટેસ્ટ આપવા માટે 45 દિવસ જેટલો સમય વેઇટિંગમાં રહેવું પડે છે. ઉમેદવારો આ સમય બચશે. આરટીઓમાં અધિકારીઓના મતે સફળતાનું પ્રમાણ ફોર વ્હીલર્સ માટે 30થી 35 ટકા છે, જ્યારે ટુ-વ્હીલર્સ માટે આ સફળતાનું પ્રમાણ 70થી-80 ટકા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તાલીમ સંસ્થામાં આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક જેવા જ ડ્રાઇવિંગ ટ્રેક હશે જેમાં એસ આકાર, ઢોળાવ અને પાર્કિંગ લોટ્સ હશે. રાજ્યમાં 1 જુલાઇથી લાગુ કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ આવી દરેક માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કૂલ પાસે ટ્રક સહિતના ભારે મોટર વાહનોની તાલીમ માટે બે એકર જમીન હોવી જોઈશે. જ્યારે ડુંગરાળ જિલ્લાઓમાં આ જમીનની જરુરિયાત એક એકર રહેશે. ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાલીમ સંસ્થાએ લગભગ 20 કલાકની તાલીમ પૂરી પાડવાની રહેશે જે ઓન ફિલ્ડ ટ્રેનિંગ રહેશે. જ્યારે અન્ય નવ કલાકની થિયરી અને સ્ટિમ્યુલેટર ટ્રેનિંગ રેહશે.
અમદાવાદ આરટીઓનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આવી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવી રહ્યા છીએ. હજી સુધી અમને અમદાવાદમાં કોઈ અરજી મળી નથી. જો કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે કેટલીક મોટી સંસ્થાઓ આગળ આવે અને પોતાના ટ્રેક ગોઠવે. આ ઉપરાંત સંસ્થાએ થિયરી વર્ગો ચલાવવા માટે કમ્પ્યુટર અને મલ્ટિમીડિયા પ્રોજેક્ટર જેવા શિક્ષણ સહાયક સાધનો સાથે બે ક્લાસરુમ પણ રાખવા પડશે. આવી સંસ્થામાં ટ્રેનર માટે ઓછામાં ઓછો ડ્રાઇવિંગ અનુભવ પાંચ વર્ષ હોવો જોઈએ.
ઉપરાંત મોટર મિકેનિક્સના કોર્સમાં પ્રોફિસિએન્સી ટેસ્ટ સર્ટિફિકેટ અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત સંસ્થા દ્વારા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઉચ્ચ લાયકાત અથવા રાજ્ય સરકારના તકનીકી શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઉચ્ચ મિકેનિકલ લાયકાત ધરાવતા હોવા જોઈએ. નિષ્ણાતોનું મંતવ્ય છે કે આ પ્રકારની ડ્રાઇવિંગ સંસ્થા સ્થાપવા માટે વધારે મૂડી રોકાણોની જરૂર પડશે. ગાઈડ લાઇન્સ મુજબ આ સ્કૂલ માટે બે એકર જમીન હોવી જોઈએ. નિષ્ણાતો માને છે વધુ રોકાણના કારણે આવી સંસ્થાઓમાં ઊંચી ફી લેવામાં આવશે જેથી ઓછી ભાગીદારીથી પ્રોજેક્ટની સફળતા સામે પ્રશ્ન ઊભા થઈ શકે છે.