LICના IPOની તૈયારીઓ તેજઃ માર્ચ 2022માં આવે તેવી શકયતાઓ
દિલ્હીઃ LICનો આઈપીઓ આગામી માર્ચ 2022માં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેન્દ્રીય સમિતિ (CCEA)એ LIC ને આઈપીઓના પ્લાનને મંજૂરી આપી છે. મંત્રીઓની બનાવવામાં આવેલી પેનલ જ નક્કી કરશે કે એલઆઈસીનો કેટલો હિસ્સો વેચવો છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2021-22ના બજેટમાં સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં સરકારનો કેટલોક ભાગ વેચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એલઆઈસીમાં સરકારી ભાગીદારી આઈપીઓ મારફતે વેચવામાં આવશે. જે બાદ રોકાણકારો એલઆઈસીના આઈપીઓની રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ (CCEA)એ LIC ને આઈપીઓના પ્લાનને મંજૂરી આપી છે.
હવે આઈપીઓ લોન્ચિંગ સામેની અટકણો દૂર થઈ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, માર્ચ 2022માં રોકાણકારોનો ઈન્તઝાર ખતમ થઈ શકે છે. માર્ચ 2022માં LICના આઈપીઓમાં નાણા લગાવીને મોટી આવક કરવાનો ચાન્સ મળી શકશે. કેન્દ્ર સરકારએ એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને ડેલોયટને આઈપીઓ પહેલા સલાહકાર તરીકે પસંદ કર્યાં છે. એવી આશા વ્યક્ત થઈ રહી છે કે, આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માર્ચ 2022માં એલઆઈસીના આઈપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મંત્રીઓની પેનલ એલઆઈસી સાથે જોડાયેલા તમામ નિર્ણય લેશે. આ પેનલ જ નક્કી કરશે કે, એલઆઈસીનો કેટલો હિસ્સો વેચવો છે. સમિતી એ પણ નક્કી કરશે કે, કેટલાક શેર બજારમાં લાવવા, એલઆઈસી પોતાની વેલ્યુ વધારવાની દિશામાં કામ કરી રહી છે.