અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને તેમના મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગાંધીનગરના પાનસર ગામે 3.5 કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી સભાને સંબોધન કર્યુ હતું. ત્યારબાદ રેલવે ગ્રાઉન્ડ, સાબરમતી અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, 2036 ઓલિમ્પિક ગેમ્સ સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં રમાશે. રસત-ગમત માટે ગુજરાત સરકારે 293 કરોડે ફાળવ્યા છે. રમતમાં હારવાથી નિરાશ ન થવું જોઈએ. જીવન ખાડા ટેકરાથી ભરેલું છે. હારવાની તાકાત અને જીતવાનું ઝનૂન હોવું જોઈએ.
દેશના ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રમતગમત માટે પ્રતિબદ્ધ છે. પહેલા માત્ર 2.5 કરોડ બજેટ હતું. અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે 293 કરોડનું બજેટ રમતગમત માટે મૂક્યું છે. 2036ની ઓલમ્પિક ગેમ્સની રમતો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં રમાશે. વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં દુનિયાની રમતો રમાશે. જીવન ખાડા-ટેકરાથી ભરેલું છે. સફળ બનવું હોય તો હારવાની તાકાત અને જીતવાનું ઝનૂન રાખવું જોઈએ. રમત હારવાથી નિરાશ ન થતા અને જીતવાથી અહંકારી ન બનતા. તમારી સ્પર્ધા ચાલતી રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભામાં જન મહોત્સવનો પ્રારંભ થયો છે. ખેલો ગાંધીનગર અંતર્ગત 1.50 લાખ કરતાં વધુ યુવાઓ રમશે. 15000 જેટલા કલાકારો ચિત્ર, નિબંધ અનેક કલાઓમાં ભાગ લેશે. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ શરૂ થશે. જેમાં લોકો ક્રિકેટ રમશે. વડાપ્રધાને દરેક લોકસભા ક્ષેત્રમાં ખેલકૂદ મહોત્સવ કરવા કહ્યું છે. આજે ગુજરાત રમત-ગમતમાં આગળ વધી રહ્યું છે. આપણે 2047માં આઝાદી મહોત્સવ ઉજવીએ ત્યારે ઓલમ્પિકમાં ભારત પહેલાં નંબરે આવે તેવું આયોજન કરાયુ છે. 39 રમતો રમવા માટે એક-એક સ્કૂલને ભેગી કરી 1.60 લાખ ખેલાડીઓ ભાગ લેશે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. રમત-ગમત આપણા શરીરને મજબૂત કરે છે. રોજ રમીએ, જીતીએ અને હારીએ.
અમદાવાદના સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહનો હું ગાંધીનગરના યુવાનો વતી આભાર માનું છું. એક લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌ યુવાનો રમત ગમતના પ્રેરિત થાય તેના માટે આ તેમનો પ્રયાસ છે. હું અમિત શાહનો આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગર સાંસદ ખેલકૂદ મહોત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે, આ મહોત્સવ અંતર્ગત સૌ પ્રજાજનોને અભિનંદન પાઠવું છું.