દિલ્હીમાં CNG ટેક્સીની લાઈફલાઈન વધી, હવે પરમિટ 15 વર્ષ માટે માન્ય રહેશે
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પરિવહન વિભાગે નિર્દેશ આપ્યો છે કે CNG અથવા અન્ય સ્વચ્છ ઇંધણ પર ચાલતી અને કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ ધરાવતી તમામ ટેક્સીઓની પરમિટની માન્યતા હવે વધારીને 15 વર્ષ કરવામાં આવશે. જો કે, આ વિસ્તરણ મોટર વાહન અધિનિયમ, 1988, કેન્દ્રીય મોટર વાહન નિયમો (CMVR), 1989 અને દિલ્હી મોટર વાહન નિયમો (DMVR), 1993 માં નિર્ધારિત અન્ય તમામ નિયત શરતોની પરિપૂર્ણતાને આધીન છે.
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે જણાવ્યું હતું કે આ પગલાથી હજારો ટેક્સી ડ્રાઇવરોને મદદ મળશે જેઓ હવે કુલ 15 વર્ષ સુધી તેમના CNG વાહનો ચલાવી શકશે. “શહેરમાં ટેક્સી માલિકો અને ઓપરેટરોના કલ્યાણ અને સગવડતા સુનિશ્ચિત કરીને પરિવહનનો સ્વચ્છ અને ગ્રીન મોડ પ્રદાન કરવાની પહેલ છે,” તેમણે ઉમેર્યું.
નિવેદનમાં જણાવાયું છે કે, પરમિટની માન્યતાને લંબાવવાનો નિર્ણય પરિવહન વિભાગ દ્વારા કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યા પછી આવ્યો છે, જેમાં દિલ્હીમાં કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ હેઠળ ચાલતી વિવિધ શ્રેણીની ટેક્સીઓ વચ્ચે પરમિટની અવધિમાં અસમાનતા હોવાનું બહાર આવ્યું છે.
અત્યાર સુધી, DL1RT નંબરથી શરૂ થતી સિટી ટેક્સી સ્કીમ 2015 હેઠળ નોંધાયેલી ટેક્સીઓની પરમિટની માન્યતા માત્ર 8 વર્ષની હતી. તેનાથી વિપરીત, કાળી અને પીળી કેબ અને અન્ય કેટેગરીઓ સહિત અન્ય તમામ ટેક્સીઓની માન્યતા 15 વર્ષની હતી, જે મોટર વાહન અધિનિયમ, 1988માં નિર્ધારિત વાહનની ઉંમર છે. “આ વિસંગતતાએ પરિવહન વિભાગને પરિસ્થિતિ સુધારવા અને પ્રદેશના તમામ ટેક્સી માલિકો માટે યોગ્ય ઉકેલ સુનિશ્ચિત કરવા માટે પ્રેરિત કર્યા હતા.
દરમિયાન પરિવહન વિભાગે ટેક્સીના માલિકો અને ઓપરેટરોને વિનંતી કરી છે કે તેઓ સંબંધિત અધિનિયમો અને નિયમોમાં ઉલ્લેખિત અન્ય તમામ શરતોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરે. વિસ્તૃત પરમિટની માન્યતા જાળવવા માટે આ નિર્ધારિત આવશ્યકતાઓનું પાલન મહત્વપૂર્ણ રહેશે.