દેશમાં અત્યાર સુધીમાં કુલ 497 રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા શરૂ કરાઈ
- 339 રેલવે સ્ટેશન ઉપર 1090 જેટલા એસ્કેલેટરની સેવા ઉપલબ્ધ
- 400 રેલવે સ્ટેશન ઉપર 981 લિફ્ટની સુવિધા
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેના વિકાસ માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશના 497 જેટલા રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અથવા એસ્કેલેટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકોને રેલવે પ્લેટફોર્મ પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે રેલવે વિભાગ દ્વારા સુગમ્ય ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોની રાજધાની તથા 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોના રેલવે સ્ટેશન ઉપર એસ્કેલેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. દરરોજ 25 હજારથી વધુ પ્રવાસીઓ ધરાવતા રેલવે સ્ટેશન ઉપર પણ એસ્કેલેટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશના લગભગ 339 રેલવે સ્ટેશનો ઉપર 1090 જેટલા એસ્કેલેટરની સુવિધા ઉભી કરાઈ છે. બીજી તરફ ઝોનલ રેલવેને લિફ્ટની જોગવાઈ માટે સ્ટેશન અને પ્લેટફોર્મની પસંદગીની સત્તા આપવામાં આવી છે. દેશના 400 જેટલા રેલવે સ્ટેશનો ઉપર 981 લિફ્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે.
દેશમાં અનેક પ્રવાસીઓ દરરોજ રેલવેમાં પ્રવાસ કરે છે, પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે ભારતીય રેલવે દ્નારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રેલવે સ્ટેશનો ઉપર વાઈફાઈ સહિતની હાઈટેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ ગ્રામીણ વિસ્તારના રેલવે સ્ટેશનોને પણ આધુનિક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.