વડોદરાઃ પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને જતાં યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માતાજીના નીજ મંદિર સુધી પહોંચવા માટે ડુંગર કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. ઘણાબધા યાત્રિકો ડુંગર પર પગથિયા ચડીને દર્શને જઈ શક્તા નથી. રોપ-વેમાં પણ યાત્રિકોની સારી એવી ભીડ રહેતી હોય છે. આથી લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવે તો યાત્રિકોને યાત્રિકોને સારીએવી સુવિધા મળી શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શક્તિપીઠ પાવાગઢમાં દર્શનાર્થીઓ સરળતાથી નિજ મંદિર સુધી પહોંચી શકે તે માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુવિધા શરૂ થતા દર્શનાર્થીઓ માત્ર 40 જ સેકન્ડમાં માતાજીના દર્શન કરી શકશે. રાજ્ય સરકારે મંજૂરી આપ્યા પછી ‘યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા આ લિફ્ટ બનાવવાનું આયોજન કરાયું છે. લિફ્ટ માટે ડુંગર ખોદવામાં આવશે અને આ લિફ્ટ 210 ફૂટ ઊંચી હશે.
પાવાગઢમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન માટે આવે છે. તહેવારોના દિવસોમાં તો અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. અહીં આવતા દર્શનાર્થીઓને વધુ સવલતો મળી રહે તે માટે યાત્રાધામના અધિકારીઓ અને મંત્રીઓએ સમીક્ષા બેઠક યોજી હતી. પાવાગઢમાં 210 ફૂટની લિફ્ટ બનાવવાનું આયોજન કરાયું છે. લિફ્ટ દ્વારા ભક્તો ગણતરીની સેકન્ડમાં નિજ મંદિર સુધી પહોંચી માતાના દર્શન કરી શકશે. આવી બે લિફ્ટ બનાવવામાં આવશે. પાવાગઢ ગબ્બરની બાજુના પર્વતને 210 ફૂટ સુધી ખોદીને લિફ્ટ બનાવાશે. બે લિફ્ટ ઉપરાંત નવો રોપ-વે બનાવવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી બે લિફ્ટ, નવા રોપ-વે ઉપરાંત પાવાગઢમાં હેલિપેડ અને વોક-વેની સુવિધા પણ ઊભી કરાશે. 130 કરોડના આ પ્રોજેક્ટનું કામ શરૂ પણ કરી દેવાયું છે. લિફ્ટ બનાવવાની અને હેલિપેડ, વોક-વે બનાવવાની કામગીરીના બે ફેઝ પૂરા પણ થઈ ચૂક્યા છે અને હાલમાં ફેઝ-3ની કામગીરી ચાલી રહી છે. પાવાગઢ ડેવલપમેન્ટ ફેઝ 3 અંતર્ગત 130 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. લિફ્ટ માટે ગબ્બરની બાજુના પર્વતની અંદર ખોદકામ કરવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. તે પછી લિફ્ટ માટે પર્વતની અંદર ખોદકામ કરવાની કામગીરી હાથ ધરાશે.