અમદાવાદઃ રાજ્યભરમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો ગોરંભાયા છે. અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી જુલાઇના પ્રથમ સપ્તાહની શરૂઆત સુધી માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં જુલાઇના પ્રથમ સપ્તાહ બાદ જ વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના 23 જિલ્લામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં દોઢ ઈંચ અને વલ્લભીપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 12.59 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણી થઈ છે. મોટાભાગના વિસ્તારોમાં ખેડુતોએ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં અત્યારસુધી 5.11 ઈંચ જ્યારે અમદાવાદ જિલ્લામાં 3.74 ઈંચ સરેરાશ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. શહેરમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં બફારો વધ્યો છે. લોકો બફારાથી પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ નહીં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ જુલાઈના પ્રથમ સપ્તાહની શરૂઆતમાં જ વરસાદ ફરીવાર શરૂ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 105.77 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ 12.59 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.34 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 11.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 10.08 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 14.37 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યું છે.