પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો, અને હવે શ્રાવણના સરવડારૂપી મેધરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠામાં તો મેઘરાજા સમયાંતરે હળવા ઝાપટાંરૂપી વરસી રહ્યા છે. ખેડુતોએ ખરીફ પાકનું વાવેતર કર્યા બાદ હાલ વિવિધ વિસ્તારોમાં ઝાપટાંરૂપી પડતા વરસાદથી ખેતી પાકને સારોએવો ફાયદો થશે એવું ખેડુતોનું માનવુ છે.
બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રવિવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે ધીમીધારે શરૂઆત કરી હતી. જેમાં ધાનેરામાં 16 મિમી અને થરાદમાં 10 મિમી સહીત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમીધારે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો.ત્યારબાદ સોમવારે પણ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હોવાના વાવડ મળ્યા છે. જિલ્લામાં થોડાક દિવસના વિરામ બાદ ફરી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 64.11 ટકા વરસાદ નોંધાયો છે. અમીરગઢ, ભાંભર, દાંતીવાડા,ડીસા, ધાનેરા, સુઈગામ, અને થરાદ સહિત તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાંપટા પડ્યા હતા. જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં બનાસનદીમાં પાણી આવતા ડેમમાં પાણીની આવક શરૂ થઇ ગઈ છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાય તો ખેડૂતો શિયાળો તેમજ ઉનાળામાં ખેતી કરી શકે.
જિલ્લામાં સોમવારે સવારે 8 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકાઓમ સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં અમીરગઢમાં 05 મિમી, ડીસામાં 09 મિમી, થરાદમાં 10 મિમી, દાંતીવાડામાં 03 મિમી, દિયોદરમાં 01 મિમી, ધાનેરામાં 16 મિમી, પાલનપુરમાં 02 મિમી, ભાભરમાં 01 મિમી, લાખણીમાં 04 મિમી, વડગામમાં 03 મિમી, વાવમાં 03 મિમી અને સુઈગામમાં 02 મિમી વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં સરેરાશ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 51.20 ટકા, કાંકરેજમાં 56.24 ટકા, ડીસામાં 53.83 ટકા, થરાદમાં 79.96 ટકા, દાંતામાં 74.66 ટકા, દાંતીવાડામાં 47.91, ટકા દિયોદરમાં 70.13 ટકા, ધાનેરામાં 43.43 ટકા, પાલનપુરમાં 55.48 ટકા, ભાભરમાં 73.52 ટકા, લાખણીમાં 48.55 ટકા, વડગામમાં 66.62 ટકા, વાવમાં 68.84 ટકા અને સુઇગામમાં 90.58 ટકા 2022નો એવરેજ વરસાદ નોંધાયો છે.