સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાંયું વાતાવરણ
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં ફરીવાર પલટો આવ્યો છે. અને મોટા ભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાંયુ બનતા ગરમીમાં ઘટોડો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલેક વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. સાથે ગવામાં ભેજનું પ્રમાણ વધતો લોકોએ ભફારાનો અહેસાસ પણ કર્યો હતો.
ગુજરાતમાં ભર ઉનાળે અષાઢ જેવું વાતાવરણ સર્જાયું છે. ઠેરઠેર વાદળછાયું વાતાવરણ તો વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા થયા હતા. જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણના ઉપરના લેવલનો ટ્રફ રયાયો છે, જેને જેટ સ્ટ્રીમ પણ કહે છે. આ જેટ સ્ટ્રીમ ઉપરના વાતાવરણને બ્લોક કરે તેને લો-બ્લોકિંગ સિસ્ટમ કહે છે. લો-બ્લોકિંગથી માવઠાની સ્થિતિ સર્જાય છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાત નજીક સરક્યુલેટ થઇ રહ્યો હોવાથી તેમજ ગરમીના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હાલ રાજ્યના વાતાવરણમાં અવારનવાર પલટો આવી રહ્યો છે. આકાશી વાદળોમાં નેગેટિવ – પોઝિટિવ ધ્રુવથી (વાદળો અથડાવાથી) વીજપ્રપાત થાય છે અને તે જુદા જુદા જથ્થાને અથડાવાથી ગર્જના થતી હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરાળ ઠરીને કમોસમી વરસાદ થવાની પ્રક્રિયા હજુ આગળ પણ ચાલુ રહેશે. જેના પગલે એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને લગભગ 2 થી 8 એપ્રિલ સુધી તેની અસર રહેશે. છેક 14 એપ્રિલ સુધી વારંવાર આવી સ્થિતિ સર્જાશે. એટલું જ નહીં પરંતુ 8 મેથી આંધી- વંટોળનું પ્રમાણ વધવાની સંભાવનાને પગલે ખેતીને નુકસાનની શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વાદળછાયા વાતાવરણનું કારણ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા ,કમોસમી વરસાદ અને બંગાળના ઉપસાગરમાં આવતા ભેજ થી થયેલા વાદળોનું સર્જન છે . જેથી ધરતી પર સૂર્યપ્રકાશ આવતો નથી. મતલબ બંગાળના ઉપસાગરના ભેજ અને અરબ સાગરના ભેજના અને ઠંડા થયેલા પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળોનો જથ્થો થયો છે .જેથી ધરતી પર સૂર્યપ્રકાશ આવતો નથી અને સતત વાદળછાયું વાતવરણ રહે છે. આગામી.તા.19 માર્ચ સુધી ગુજરાતના વિવિધ ભાગો માં વીજળી ના કડાકા સાથે કમોસમી વરસાદ થશે, કરા પણ પડી શકે છે. ચોમાસાની ઋતુમાં જે પ્રકારનો ભેજ સર્જાય છે તેવી ભેજની સ્થિતિ ઉનાળાના પ્રારંભે થવાથી દેશના ઘણા ભાગો માં માવઠાની શક્યતા ઊભી થઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં તા. 15મીના સવારના 6 વાગ્યાથી 16મી સવારના 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 26 તાલુકામાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.જેમાં નર્મદાના ડેડિયાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.