Site icon Revoi.in

ગુજરાતમાં 9મી સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં તા.9મી સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગરમાં વેધર વોચ ગૃપની બેઠક મળી હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા તા. ૦9 સપ્ટેમ્બર, 2024 સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત નિયામકએ જણાવ્યું હતુ.

રાહત નિયામક દ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, SSNNL, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.  હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમ અને નદીઓના લેવલ અંગે રાહત નિયામક દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

રાહત નિયામક અને અધિક કલેકટર દ્વારા તમામ નોડલ અધિકારીશ્રીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ માર્ગદર્શન તથા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને  મકાન, GSRTC, NDRF, SDRF,BISAG-N, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, શિક્ષણ, કૃષિ, માહિતી વિભાગના તથા ઈન્ડિયન નેવી નોડલ અઘિકારીઓ હાજર રહ્યા હતા.