Site icon Revoi.in

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી હળવા અને મધ્યમ વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના પ્રથમ બે મહિના દરમિયાન સરેરાશ 82 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. અને હાલ શ્રાવણ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં સરવડારૂપી મેઘો વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ  ગુજરાત અનો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે શનિવારથી હળવા અને મધ્યમ વરસાદના ઝાંપટાં પડવાની રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો,  ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા  હવે શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાં આજે શનિવારથી વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે શનિવારથી વરસાદી ગતિવિધિ થોડી વધવાની સંભાવના છે, જ્યારે 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરની અસરથી વરસાદની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમના પવનો છે એ સિસ્ટમને ગુજરાત આવતા રોકે છે, જેના કારણે વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ધકેલાઈ જવાની શક્યતા છે, પરંતુ આમ છતાં તેની ગુજરાતમાં અસર જોવા મળશે.