ગાંધીનગરઃ ગુજરાતમાં સમયાંતરે છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગુરૂવારે 53થી વધુ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. સતત વરસાદી વાતાવરણથી લોકો પણ હવે ઉઘાડ નિકળે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે. ત્યારે ફરીવાર રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા જોવા મળી રહી છે. હાલ એક સર્ક્યુલેશન છે, એ રાજસ્થાન તરફ છે, જેને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદ નહીં રહે, પરંતુ રાજ્યમાં છૂટોછવાયો વરસાદની સંભાવના છે. અગાઉ ત્રણ તબક્કા દરમિયાન સૌરાષ્ટ્રમાં સીઝનનો સામાન્ય કરતાં ઘણો વધુ વરસાદ થયો છે. પાંચ દિવસ પછી પણ વરસાદ લાવનારી સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવના નથી. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 16થી 18 ઓગસ્ટના રોજ વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદ થશે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરૂ થશે, એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો કૃષિ પાક માટે પાણી સારું ગણાય છે.
હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી કોઈ કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ થશે. અત્યારે વરસાદ લાવનારી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોઈ, ગુજરાતમાં ભારે વરસાદ થવાનો નથી. અમદાવાદની વાત કરીએ તો આજથી 15 ઓગસ્ટ સુધી શહેરમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા નથી. જોકે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેવાનું હોઈ ક્યાંક ક્યાંક વરસાદી વાદળો ઝાંપટાં સ્વરૂપે વરસી શકે છે.