ચંડીગઢ :હરિયાણામાં રવિવારે રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2.6ની તીવ્રતાના આ ભૂકંપના કારણે રોહતક અને આસપાસના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી 7 કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં ખેડી સાધ ગામ હતું. પૃથ્વીથી પાંચ કિલોમીટર નીચે હિલચાલ નોંધવામાં આવી છે.
આ પહેલા રોહતકમાં જ 5 સપ્ટેમ્બરે બે વખત ભૂકંપ આવ્યો હતો. એકવાર મોડી રાત્રે 12:27 વાગ્યે અને બીજી 01:44 વાગ્યે આવ્યો હતો. પ્રથમ ભૂકંપની તીવ્રતા 2.6 અને બીજાની તીવ્રતા 2.7 નોંધવામાં આવી હતી.એક ભૂકંપનું કેન્દ્ર પોલાંગી નજીક અને બીજા આસન ગામ પાસે હતું.
નવા વર્ષની શરૂઆતમાં હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં રાત્રે 1:19 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ઝજ્જરનું બેરી ભૂકંપનું કેન્દ્ર હતું. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 હતી. ભૂકંપનું કેન્દ્ર મહેન્દ્રગઢ-દહેરાદૂન ફોલ્ટ લાઇન પાસે હતું. નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો ભૂકંપના આંચકાથી ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.