જયપુરમાં આકાશીય વીજળી પડવાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત, સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ
- વીજળી પડવાથી 16 લોકોના મોત
- સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ
- સીએમએ વળતરની કરી જાહેરાત
જયપુર:રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદની સાથે શહેરના આમેર ફોર્ટ વિસ્તારમાં ફરતા 16 થી વધુ લોકો પર વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા. જયપુરમાં આમેર મહેલની સામે વોચ ટાવર પર વીજળી પડતાં 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના સગાઓને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.
જયપુર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની સહાયથી અત્યાર સુધી 29 લોકોને આમેર ફોટ વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે. તે બધાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જયપુરની અનેક એસએમએસ હોસ્પિટલમાં દાઝેલા ઘણા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. જયપુરની સાથે કોટા, ધોલપુર, બરાન અને ઝાલાવાડમાં પણ વીજળી પડવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે, આજે કોટા, ધોલપુર, ઝાલાવાડ, જયપુર અને બારામાં વીજળી પડવાના કારણે જાનહાનિ થયેલી ઘટના ઘણી દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. અસરગ્રસ્તોના પરિવારો પ્રત્યેની મારી ઊંડી સંવેદના, ભગવાન તેમને શક્તિ આપે. અધિકારીઓને પીડિતાના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવા સૂચના આપવામાં આવી છે.