Site icon Revoi.in

ભાજપના સામાન્ય કાર્યકરની જેમ સીએમ રૂપાણી પણ બન્યાં પેજ પ્રમુખ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ ભાજપના સંગઠનને રાજ્યમાં વધારે મજબુત કરવાના પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મનપાના વોર્ડ નંબર 10માં બૂથ નંબર 2 પર પેજ પ્રમુખ બનીને પોતાની કામગીરી પૂર્ણ કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેજ પ્રમુખની કામગીરીના ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ વખાણ કર્યાં હતા. તેમજ ભાજપના સંગઠનમાં પેજ પ્રમુખને પાયો ગણાવ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ રાજકોટમાં વોર્ડ નંબર 10માં પેજ પ્રમુખ બન્યાં છે. આમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સામાન્ય કાર્યકરની જેમ પેજ પ્રમુખ બનીને ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરોને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હોવાનું ભાજપના નેતાઓમાં ચર્ચાય રહ્યું છે. ભાજપના અન્ય ટોપ નેતાઓ પણ પેજ પ્રમુખ બની રહ્યાં છે. સી.આર.પાટીલ પણ મજૂરા વિધાનસભાના બૂથ 94ના એક પેજના પ્રમુખ બન્યાં છે.

ભાજપમાં દરેક વિસ્તારની ચૂંટણીપંચની મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી સોંપવામાં આવે છે.