ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને પોતાના વિસ્ચારમાં વિકારના કામો માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હવે સાંસદોની જેમ ધારાસભ્યો પણ ગામડાંઓ દત્તક લઈને વિકાસ કામો કરાવશે. આગામી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો માટે આદર્શ ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા સાંસદો માટે જે રીતે આદર્શ ગ્રામ વિકાસ યોજનાને અમલમાં મુકવામાં આવી છે તે રીતે આગામી વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યો માટે આદર્શ ગ્રામ યોજના લાવવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે પંચાયત અને ગ્રામિણ વિકાસ મંત્રાલયના ટોચના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ યોજનાને તૈયાર કરવા માટે વિવિધ સૂચનો લેવાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદોને દર વર્ષે એક ગામ મહાત્મા ગાંધીના મૂલ્યો પ્રમાણેનું સ્વચ્છ થાય તે માટે સાંસદોને એક ગામ દત્તક લેવાની યોજના છે. આ રીતે ધારાસભ્યો પણ દર એક વર્ષે બે ગામ દત્તક લઇને તેનો વિકાસ કરે તેવી યોજના અમલમાં લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે, હજુ સૂચના અપાઇ છે, આ પછી તે યોજના કઇ રીતે લાવવી,આ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવી સહિતની બાબતોને નક્કી કરવામાં આવશે. જે ધારાસભ્યો શહેરી વિસ્તારના છે તે ધારાસભ્યોને ગામ દત્તક આપવા કે નહીં તે બાબત નક્કી થઇ નથી. રાજયમાં આશરે 44 જેટલા ધારાસભ્યો સંપૂર્ણ શહેરી વિસ્તારના છે. તેમને ગામડાં આપવા કે નહીં તે વિચારણા હેઠળ છે. આ યોજનામાં ગ્રામ્ય સ્તરે પ્રાથમિક સુવિધા હોય તે ગામમાં સરકારી યોજનાઓના લાભ અને વ્યસનના દૂષણો છોડીને આરોગ્ય બાબતે સભાન થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી સાંસદોએ વર્ષ 2017માં 75, વર્ષ 2018-19માં 27, વર્ષ 2019-20માં 100, વર્ષ 2020-21માં 70 અને વર્ષ 2021-22માં 64 ગામને દત્તક લીધા છે. જે ગામને સાંસદો દત્તક લે છે તેનું મુલ્યાંકન પણ થાય છે અને તે પ્રમાણે શ્રેષ્ઠ સુવિધા ઉભી થઇ હોય તેવા ગામને એવોર્ડથી પણ નવાજવામાં આવે છે.