Site icon Revoi.in

સુરતની જેમ હવે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના તમામ કર્મચારીઓને માટે યુનિફોર્મ લવાશે

Social Share

ગાંધીનગરઃ સુરત મ્યુનિ.કોર્પોરેશને તેના કર્મચારીઓ માટે યુનિફોર્મ કોડ જોહેર કર્યો છે. કોર્પોરેટ ઓફિસની જેમ મ્યુનિ.ના કર્મચારીઓએ પણ નિયત ડ્રેસ પહેરીને ફરજ પર આવવાની સુચના આપવામાં આવી છે. આથી  સુરત મ્યુનિ. કોર્પોરેશનની પેટર્ન પર ગાંધીનગર  મ્યુનિ. કોર્પોરેશનમાં પણ કર્મચારીઓ માટે યુનિફોર્મ લવાશે. વર્ગ-3થી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીના અધિકારીઓને આગામી સમયે યુનિફોર્મમાં જોવા મળે તો નવાય નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના તમામ કર્મચારીઓ માટે ફરજિયાત યુનિફોર્મનો નિર્ણય લેવાયો છે. અને આ મુદ્દે  મ્યુનિ. કોર્પોરેશન  દ્વારા કર્મચારીઓ પાસે સુચનો મંગાવવામાં આવ્યા છે. જો કે,  ડ્રેસ કોડની વાત આવતા જ મહિલા કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જેમાં યુનિફોર્મ મુદ્દે રજૂઆત કરવા માટે મહિલા કર્મચારીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચી હતી. જેમાં મહિલાઓ માટે યુનિફોર્મ યોગ્ય નથી, દરેક મહિલાઓનો પહેરવેશ અલગ-અલગ હોવાની રજૂઆતો થઈ હતી. જોની સામે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે મહિલાઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે,  મ્યુનિ. કોર્પોરેશનની અલગ ઓળખ ઉભી કરવા અને ફીલ્ડમાં ફરતા કર્મચારીઓ માટે ડ્રેસકોડ વધારે જરૂરી છે. મહિલાઓ પર કોઈ ચોક્કસ યુનિફોર્મ ઠોકી નહી બેસાડાય, કલર કોડ પ્રમાણે ડ્રેસ કે સાડી કે અન્ય પહેરવેશ મહિલા કર્મચારીઓ પહેરી શકશે. મનપા દ્વારા હાલ કલર સહિતના મુદ્દે કોઈ નિર્ણય કરાયો નથી. પરંતુ કર્મચારીઓના સુચનો મળ્યા બાદ તેના પર ચર્ચા વિચારણાને અંતે તંત્ર દ્વારા સમગ્ર મુદ્દે નિર્ણય લેવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું. કે, ગાંધીનગર મ્યુનિ.ના કેટલાક કર્મચારીઓ હાલના સમયે બીનજરૂરી રીતે ફરતાં અને બહાર બેઠેલા નજરે પડે છે. ત્યારે આ કર્મચારીઓ પર  ડ્રેસકોડને કારણે લગામ આવશે. તો બીજી તરફ ફીલ્ડમાં જતાં કર્મચારી-અધિકારીઓને નાગરિકો સહેલાયથી ઓળખી શકશે. ઉલ્લેખનિય છે સુરત કોર્પોરેશનમાં હાલ ડ્રેસ કોડ છે, જેમાં વર્ગ-4 માટે ખાખી, વર્ગ-2 અને 3 માટે સ્કાય બ્લૂ શર્ટ અને બ્લેક પેન્ટનો ડ્રેસકોડ છે. ત્યારે સુરતમાં ડીએમસી રહી ચૂકેલા જે. એન. વાઘેલા હવે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર છે. જેને પગલે સુરતની પેટર્નનો ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં અમલ કરવામાં આવી રહ્યો છે.