અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરી છે. ભાજપના પેઈજ પ્રમુખનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ સંયોજકો તૈયાર કરશે. રાજ્યમાં દિવાળી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી સત્તા સ્થાનેથી દૂર રહેલી કોંગ્રેસ હવે સત્તા મેળવવા ભાજપના રસ્તે આગળ વધી રહી છે. કોંગ્રેસ હવે મારું બુથ મારું ગૌરવ”, “બુથ જીતીશું, 2022 જીતીશું”ના સુત્ર સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપના પેજ પ્રમુખોની જેમ જ કોંગ્રેસના સંગઠનમાં પેજ પ્રભારીની નિમણૂંક કરાશે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 35 હજાર જેટલા સંયોજકોની નિમણૂંક કરી દીધી હોવાનું કોંગ્રેસના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પ્રદેશ કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચૂંટણીઓમાં સતત પરાજિત થનારી કોંગ્રેસની હાર થવાના મુખ્ય કારણોમાં જૂથબંધી અને બુથના મેનેજમેન્ટની નિષ્ફળતા છે. હવે કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્માએ પણ કાર્યકરોને કહી દીધું છે કે જૂથ બંધી છોડીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાઓ. ત્યારે કોંગ્રેસના સંગઠનની નબળી કડીને વધારે મજબુત બનાવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સંયોજકની રણનીતિ લઇને આવ્યા છે. જે કોંગ્રેસના નબળા સંગઠનને મજબુત બનાવશે. જેમાં તાલુકા-જીલ્લા પંચાયત સીટ દીઠ સંયોજક બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મનપા વિસ્તારમાં પોલીંગ બુથને સેક્ટરનો દરજ્જો આપી સેક્ટર દીઠ સંયોજક બનાવવામાં આવ્યા છે. સંયોજકોની નીચે કોંગ્રેસ અગાઉ જ જાહેર કરાયેલા બુથ દીઠ જનમિત્રોને રી-શફલ કરવાની કામગીરી કરાઈ રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ “મારું બુથ, મારું ગૌરવ”, “બુથ જીતીશું, 2022 જીતીશું”ના સૂત્ર સાથે જ ચૂંટણીઓમાં ઝંપલાવશે. સંગઠનમાં નવી નિમણૂંક પામેલ સંયોજકોનો કામ કરવાનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. તેઓને એ કામ સિવાય બીજા અન્ય કામ કરવાના નહીં રહે. જો કામની વાત કરવામાં આવે તો સંયોજકોએ પક્ષના કાર્યક્રમોને તાલુકા-જિલ્લા કક્ષાએ સારી રીતના આયોજિત કરાવવા, પક્ષની વિચારધારાને બુથ સુધી પહોંચાડવી. આ સિવાય સૌથી મહત્વના ગ્રાસરૂટ લેવલે પોતાના વિસ્તારમાં કામ કરતા કાર્યકર્તાઓની મનદુઃખ કે અન્ય લાગણીઓને પક્ષના મોવડી મંડળ સુધી પહોંચાડવાની મહત્વની કામગીરી રહેશે. સંગઠનને પકડી રાખવા કોંગ્રેસના સંગઠનમાં સંયોજકની પોસ્ટ કાયમી કરવામાં આવશે. અત્યાર સુધીમાં કોંગ્રેસે 35 હજારથી વધુ સંયોજકો બનાવી દીધા છે. તેમને સંયોજકનું આઈકાર્ડ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના જિલ્લા પંચાયતની 1098 બેઠકો પર, તાલુકા પંચાયતની 5220, મનપા વિસ્તારમાં 3431 અને નગરપાલિકાઓમાં નિમણુંકો આપી તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આ સિવાય કોંગ્રેસ રાજ્યના તમામ 52 હજાર બુથ પર એક પુરુષ અને એક સ્ત્રી જનમિત્રની રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે. સંયોજકો 2021 વર્ષના અંત સુધી તાલીમ સાથે જ્યારે જનમિત્રોને માર્ચ સુધી નિમણૂંક આપી કોંગ્રેસ વધારે સારા સંગઠન સાથે 2022ની ચૂંટણી જીતવા આગળ વધશે