વાઘા બોર્ડરની જેમ બનાસકાંઠાના નડાબેટ ખાતે વિકાસ કરાશે
રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રવાસનના હેતુથી નિર્માણ પામી રહેલા સીમાદર્શન ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરીની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ભારત અને પાકિસ્તાન બોર્ડરની નજીક બનાસકાંઠાની સરહદે આવેલા નડાબેટ ખાતે દેશભક્તિમય સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થઈ રહેલા ટી-જંક્શન, પરેડ ગ્રાઉન્ડ, મ્યુઝિયમ, પ્રવાસીઓ માટે લોન્ઝ, ચિલ્ડ્રન પાર્ક અને પાર્કિંગ સહિતની સુવિધાઓની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સૂચનો- માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ભારત-પાકિસ્તાન બોર્ડર ઝીરો પોઇન્ટની મુલાકાત લઈને ઇજઋના અધિકારીઓ- જવાનો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ નડેશ્વરી માતાના દર્શન- પૂજા અર્ચના કરીને ભારતીય સરહદ અને ભારત માતાની દિવસ-રાત સુરક્ષા કરતાં જવાનોની સુરક્ષા તેમજ સાડા છ કરોડ ગુજરાતીઓની સુખાકારી માટે આર્શીવાદ મેળવ્યા હતા. આ પ્રસંગે નડાબેટ ખાતે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, સાંસદ પરબત પટેલ, સાંસદ દિનેશ અનાવડિયા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, ગુજરાત પ્રવાસનના એમ.ડી. જેનુ દેવન, કલેક્ટર આનંદ પટેલ, બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.