Site icon Revoi.in

લીંબડી-અમદાવાદ હાઈવે ટ્રક પાછળ પૂરફાટ ઝડપે જતી કાર અથડાતાં ત્રણનાં મોત

Social Share

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. તાજેતરમાં જ લીંબડી નજીક પોલીસ વાનને ગમખ્વાર અકસ્માત નડતાં ચાર પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે વહેલી સવારે લીંબડીના ચોરણિયા ગામના પાટિયા પાસે ગાઢ ધુમ્મસને કારણે આઈશર પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમાં રાજસ્થાનથી રાજકોટ જતી કારમાં સવાર ચાર પૈકી બેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે એકને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે. કે,  રાજસ્થાનથી એક પરિવાર ઈકોકારમાં રાજકોટ જઈ રહ્યો હતો એ દરમિયાન લીંબડી નજીક ચોરણિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતા. એમાં લીંબડી આરઆર હોસ્પિટલના એમ્બ્યુલન્સના  ડ્રાઇવર લાલાભાઇએ પરિવારને રોકડ રૂપિયા તેમજ સોનાની વસ્તુ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.  લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના બાદ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. જ્યારે હાઇવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ ટ્રાફિક પુન: ચાલુ કરાવ્યો હતો.

સોમવારે પણ લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસ વાનને અકસ્માત નડતાં એક મહિલા પોલીસકર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા હતા. લીંબડીના બલદાણા ગામના પાટિયા પાસે પોલીસ વાન અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિતને ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.