રાજકોટ: આજી ડેમમાં હવે પાણીનો સ્ટોક 30 ટકા, નર્મદાના પાણી માટે મનપા કમિશ્નરે મુખ્યમંત્રીને કરી જાણ
- રાજકોટના આજીડેમમાં હવે 30 ટકા પાણી
- નર્મદાના પાણીની રાજકોટને જરૂર
- મનપા કમિશનરે મુખ્યમંત્રીને કરી જાણ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ગમે એટલો વરસાદ પડે પણ પાણીની સમસ્યા તો દર વર્ષ સર્જાય જ છે. કેટલાક વિસ્તારોમાં આગામી પગલા લેવામાં આવતા હોવાથી તકલીફ એટલી પડતી નથી, પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરના સહારા લેવા પડે છે. આવામાં રાજકોટમાં પણ સ્થિતિ કપરી બની શકે છે કારણ કે આજીડેમમાં 10 માર્ચ સુધી ચાલે એટલો જ પાણીનો સ્ટોક છે.
મનપા કમિશ્નર દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને જાણ કરવામાં આવી છે અને 1050 MCFT નર્મદા પાણીની માંગ કરી છે. 1 માર્ચથી સૌની યોજનાથી આજીડેમમાં પાણી આપવા અને 1 મે થી ન્યારી 1 ડેમમાં સૌની યોજનાથી પાણી આપવા માગ કરી છે.
આજી-1 ડેમમાં હાલ 10 માર્ચ સુધી ચાલે એટલો પાણીનો સ્ટોક છે, જ્યારે ન્યારી-1 ડેમમાં હાલ30 જૂન સુધી ચાલે એટલો જ પાણીનો સ્ટોક છે. ભાદર-1 ડેમમાં 31 જુલાઈ સુધી ચાલે એટલો પાણીનો સ્ટોક છે.જેથી, હાલ રાજકોટ વાસીઓને પાણી પુરૂ પાડવા રોજ 125 MCFT પાણી નર્મદામાંથી લેવું પડે છે. મનપા કમિશ્નર દ્વારા 1050 MCFT નર્મદા પાણીની માંગ કરવામાં આવી છે.
જો કે ઉલ્લેખનીય છે કે મનપાએ પાણી માગ્યુ પણ સરકારી તંત્રમાં પાણી બિલની લાખોની રકમ બાકી છે.રાજ્કોટ મનપાએ સૌની યોજનાના પાણીના 4 વર્ષેના બિલની રકમબાકી છે. આમ, 2017થી 2021 સુધી પાણીનું બિલ ચૂકવવામાં મનપાની ઢીલી નીતિ જોવા મળી છે.