અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ભરચક રહેતા ક્રોસ રોડ પરના ટ્રાફિક સિગ્નલો પર યોગ્યરીતે ગ્રીન-રેડ લાઈટ્સનો ટાઈમિંગ સેટ કરાયો ન હોવાથી વાહનોની લાંબી કતારો સતત જોવા મળી રહી છે. મોટાભાગના ટ્રાફિક સિગ્નલો પર 25થી 30 સેકન્ડનો ટાઈમિગ હોવાથી વાહનચાલકોને લાંબી પ્રતિક્ષા કરવી પડે છે. જો 60થી 100 સેકન્ડ સુધીનો સમય આપવામાં આવે તો વધુ વાહનો પસાર થઈ શકે તેમ છે. ટ્રાફિક પોલીસ એએમસી પર જવાબદારી ઢોળી રહ્યું છે. આથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના મુખ્ય જે ચાર રસ્તા આવેલા છે. તેના ઉપર ટ્રાફિક સિગ્નલના ટાઈમનો રીવ્યુ કરવા માટેની પણ સૂચના આપી છે.
અમદાવાદ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી છે, તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈ કાર્યવાહીની સૂચના આપી હતી. શહેરના સૌથી વ્યસ્ત હોય એવા રોડ હવે ટ્રાફિક અને દબાણ મુક્ત રોડ થાય તેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્રમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દરેક ઝોનમાંથી કોઈ એક વ્યસ્ત રોડને કાયમી ધોરણે ટ્રાફિક અને દબાણ મુક્ત કરવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાસન દ્વારા ટ્રાફિકની સમસ્યાને હલ કરવી, રોડ પરના દબાણો અને અડચણરૂપ વાહનોને દૂર કરવા માટેની કડક સૂચના આપી છે. જે રોડ ઉપર સૌથી વધારે વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય એવા રોડને શોધી તેના ઉપર કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. રોડ ઉપર ગેરકાયદેસર લારી ગલ્લા કે અન્ય દબાણ હોય તો તેને દૂર કરવું તેમજ જ્યાં નો પાર્કિંગમાં અથવા જાહેર રોડ ઉપર અડચણરૂપ વાહનોનું પાર્કિંગ કરવામાં આવ્યું હોય તો તેને લોક મારી દંડની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના મુખ્ય જે ચાર રસ્તા આવેલા છે. તેના ઉપર ટ્રાફિક સિગ્નલના ટાઈમનો રીવ્યુ કરવા માટેની પણ સૂચના આપી છે. શહેરના કેટલાક એવા મુખ્ય ચાર રસ્તાઓ આવેલા છે, જ્યાં સૌથી વધારે ટ્રાફિક હોય છે, પરંતુ ત્યાં સિગ્નલનો ટાઈમિંગ ખૂબ ઓછો હોય છે. જેથી વાહનો ઝડપી નીકળી શકતા નથી અને ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. પિક અવર્સ દરમિયાન તેમજ દિવસ દરમિયાન ટ્રાફિક સિગ્નલનો ટાઈમિંગ કેટલો રાખીએ તો ટ્રાફિક સમસ્યા ન થાય અને વાહનો સરળતાથી નીકળી શકે તે અંગે રિવ્યૂ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.