અમરેલી : જિલ્લાના રાજુલા, ધારી સહિતના વિસ્તારોમાં પણ સિંહ જોવા મળી રહ્યા છે. ગીરનો પૂર્વ વિસ્તાર વનરાજોને અનુકૂળ આવી ગયો છે. પરંતુ આ વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહ ટ્રેનની અડફેટ આવવાના બનાવો વધી રહ્યા છે. જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલા ખડકાળા ગામના રેલવે ટ્રેક પર સિંહ કપાઈ જવાની ઘટના બની છે. આ અરેરાટીભરી ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં દુખની લાગણી ફેલાઈ ગઈ હતી. ખડકાળા 52 નંબરના રેલવે ફાટકની નજીક ખારી નદીના પુલ પાસે પાંચ વર્ષનો સિંહ અડફેટે આવતા તેનું મોત નિપજ્યું છે. ડબલ ડેકર ગુડ્સ ટ્રેનમાં સિંહ અડફેટે આવતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના બાદ સ્થળ પર અરેરાટીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. સિંહના કપાયેલા કેટલાક અંગોની એકઠા કરી સિંહના મૃતદેહને વન વિભાગના કર્મચારીઓએ ટ્રેક પરથી હટાવી ધારી ખાતે લઇ જવાયો હતો. રાત્રિના બનેલી ઘટના તમામ કાર્યવાહી પૂર્ણ થતા લગભગ રાત્રિના બે વાગ્યા બાદ ગુડ્સ ટ્રેનને રવાના કરાઈ હતી. આ જ ટ્રેક પર બે વર્ષ પહેલા પેસેન્જર ટ્રેનમાં બે સિંહબાળ કપાયાની ઘટના બની હતી. એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર અકસ્માતોને કારણે મુત્યુ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત 2020 ના વર્ષમાં થયેલ સર્વે મુજબ 674 સિંહો ગુજરાતના ગીર જંગલમાં હતા. વર્ષ 2018 માં 193 સિંહ અને વર્ષ 2019 માં 200 સિંહનું મૃત્યુ રેલ્વે લાઈન પર અકસ્માતોના કારણે થયું હતું. જો આ સિંહોને રેલ્વે લાઈન ઉપર થતા અકસ્માતોથી બચાવી લેવામાં આવ્યા હોત, તો આજે કુલ વસ્તીના 50 ટકાથી વધુ સિંહો જીવતા હોત. રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે એશિયાટિક સિંહના મૃત્યુ ન થાય તે માટે નિષ્ણાતોના સૂચનો અને જે પ્લાન બનાવવામાં આવ્યો હતો તે બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરી સિંહોને બચાવવામાં આવે તો જ રેલવે ટ્રેક પરનો મૃત્યુ આંક ઘટે.તાજેતરમાં રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન શક્તિસિંહ ગોહિલે એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર દુર્ઘટનાથી થઈ રહેલ મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અધ્યક્ષે એને બહુ ગંભીરતાથી લીધો હતો