1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બરડા ડુંગર રેન્જમાં લાયન સફારીનો આરંભ, હવે પ્રવાસીઓ અહીં પણ કરી શકશે સિંહદર્શન
બરડા ડુંગર રેન્જમાં લાયન સફારીનો આરંભ, હવે પ્રવાસીઓ અહીં પણ કરી શકશે સિંહદર્શન

બરડા ડુંગર રેન્જમાં લાયન સફારીનો આરંભ, હવે પ્રવાસીઓ અહીં પણ કરી શકશે સિંહદર્શન

0
Social Share

ગાંધીનગરઃ પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાથી નજીક એવા બરડા ડુંગર રેન્જમાં લાયન સફારી શરુ કરવામાં આવી છે, બરાડા ડુંગરના જંગલની જો વાત કરીએ તો ગીર અને ગિરનારના જંગલથી અલગ પ્રકારનું જંગલ છે અને તેને માણવુંએ એક અનોખો લ્હાવો છે. લાભ પાંચમના શુભ દિવસે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા, બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ‘એશિયાઈ સિંહ’ નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે 674 એશિયાઈ સિંહો જોવા મળે છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થઈ રહ્યું છે.

બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 9 ટકા છે. વનસ્પતિઓમાં રાયણ, બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે. આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, શિયાળ, લોંકડી અને સસલા છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતા રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કિલગંગા નદીના સાનિધ્ય માંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્ય ની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિ નિહાળવાની તક આપે છે. સફારીની પરમીટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે 215 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ 2 જિલ્લામાં ફેલાયેલી છે.

બરડા વન્યજીવ અભયારણ્ય માં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી 170 કિ.મી. અને અમદાવાદ 430 કિ.મી. જેવા મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. આ અભયારણ્યથી પોરબંદર રેલવે સ્ટેશન 40 કિ.મી. અને જામનગર 82 કિ.મી. છે. જ્યારે, હવાઈ માર્ગ થી પણ સંકળાયેલો છે. આ અભયારણ્યથી રાજકોટ એરપોર્ટ 190 કિ.મી. છે.

આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે 6 કલાકથી સાંજે 4 વાગે સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. 16 ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. 1 માર્ચ થી 15 જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે 16 જૂનથી 15 ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે. બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર, મોડપર કિલ્લા, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે. વધુ વિગતો માટે પોરબંદર વન વિભાગની કચેરીના 0286-2242551 પર સંપર્ક કરી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code