રાજકોટઃ શહેર નજીક રાંદરડા નર્સરી પાસે 29 હેક્ટર જમીન પર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાનું મ્યુનિ. કોર્પોરેશને આયોજન કર્યું છે. જેમાં ગત બજેટમાં 200 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત આ વર્ષથી પ્રાથમિક કામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 23.64 લાખના ખર્ચે કાંટાળા તારની ફેન્સિંગ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટના શહેરીજનોને હવે ટુંક સમયમાં સિંહની ત્રાડ સાંભળવા મળશે, કારણ કે શહેર નજીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. શહેર નજીક રાંદરડા નર્સરી પાસે 29 હેક્ટર જમીન પર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાનું મ્યુનિ. કોર્પોરેશને આયોજન કર્યું છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્ક ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના મુલાકાતીઓ ઝુ ખાતે મુલાકાત માટે આવે છે. જેઓને પ્રાણી સંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકો ટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે હેતુથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્કની પૂર્વ દિશાએ અંદાજે 38 હેક્ટર જમીન પૈકી 29 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. અંદાજે 9 હેક્ટર જગ્યામાં વૃક્ષો ન હોવાથી ચાલુ વર્ષે વૃક્ષારોપણ કરાશે. તેમજ વૃક્ષારોપણને માલ ઢોર તથા અન્ય પ્રાણીઓથી સુરક્ષિત રહે તે હેતુથી લેઆઉટ મુજબ કાંટાળા તાર સાથેની ચેઇન લિંક ફેન્સિંગ અંદાજે 2900 રનિંગ મીટરમાં કરવાનું આવશ્યક છે. જે અન્વયે રાજકોટ મ્યુનિ.ના પ્રાણી ઉદ્યાન ખાતે પ્રપોઝડ લાયન સફારી પાર્ક વિસ્તારમાં કાંટાળા તાર સાથેની ચેઇન લીંક ફેન્સિંગ કરવાના રૂ. 23.64 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે.