રાજકોટમાં 30 કરોડના ખર્ચે બનાવાશે લાયન સફારી પાર્ક, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી મંજુરી
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાયન સફારી પાર્ક બનાવવા માટે શહેરના પૂર્વના સીમાડે 33 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે સિંહ માટે સફારી પાર્ક બનાવવાની આરએમસીની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજુરી આપી દીધી છે. તેથી હવે નજીકના ભવિષ્યમાં જ વનરાજોની ત્રાડ રંગીલા રાજકોટવાસીઓને સાંભળવા મળશે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટીક લાઈન સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારને મોકલવામાં આવેલી દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા મંજુરી આપવામાં આવી છે. શહેરના પ્રાણીઉદ્યાનની મુલાકાતે શહેર તથા આસપાસના જિલ્લામાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેઓને પ્રાણીસંગ્રહાલય ઉ૫રાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ- સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકો ટૂરીઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે રાજકોટ પ્રાણી ઉદ્યાનના વિસ્તૃતીકરણ તરીકે લાયન સફારી પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે ઝૂની પૂર્વ દિશાએ સર્વે નં.144, 145, 150 તથા 638 મળી કુલ અંદાજે 33 હેકટર જમીન લાયન સફારી પાર્ક બનાવવા હેતુ જમીન સંપાદન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની અંદાજિત કોસ્ટ 30 કરોડ આંકવામાં આવી રહી છે. આ કામગીરી કરવા માટે વર્ષ 2024-25માં જરૂરી બજેટ જોગવાઇ રાખવામાં આવશે. એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે મુખ્ય કામગીરીમાં બ્રિક મેશનરી કમ્પાઉન્ડ દિવાલ, ચેઈનલિંક ફેન્સિંગ દિવાલ, પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર, ખાસ પ્રકારનો ટૂ વે ગેટ, ઇન્ટરનલ રોડ, ઇન્સ્પેક્શન રોડ, વોચ ટાવર, એન્ટ્રસ પ્લાઝા તેમજ મુલાકાતીઓ માટે જુદી જુદી વિઝિટર એમીનીટીઝ રહેશે.