Site icon Revoi.in

સૌરાષ્ટ્રના ઊના અને કચ્છના નારાયણ સરોવર પાસે લાયન સફારી પાર્ક બનાવાશે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હવે સિંહોએ પરિવાર સાથે  ગીરના જંગલ છાડીને  રેવન્યુ વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યા છે. ગીર જંગલ ટૂંકુ પડતું હોઈ સિંહો રાજકોટ,ગોંડલ સુધી ધસી આવતા હોય છે ત્યારે હવે કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. જેના માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.

રાજ્યના વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ કચ્છના નારાયણ સરોવર પાસે આશરે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક સાકાર થશે, અને તેનો હેતુ પ્રવાસનને  પ્રોત્સાહન સાથે બ્રીડીંગ સેન્ટર માટેનો પણ છે. લાયન સફારી સાકાર થયા બાદ સિંહ, દીપડાં સહિતના પ્રાણીઓ મંજુરી મેળવીને તેમાં વિહરતા જોઈ શકાશે. આ ઉપરાંત ઊના નજીક પણ સિંહ માટે સફારી પાર્ક બનાવાશે. ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે. બન્ને સફારી પાર્ક માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજુરી મળી ગઈ છે.

વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, હાલ જુનાગઢના દેવળીયા વિસ્તારમાં લાયન સફારી છે અને એમાં પ્રવાસીઓની ભીડ દિનપ્રતિદિન વધતી જાય છે. આ પહેલા રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવ કાંઠે રમણીય વિસ્તારમાં આવેલા ઝૂને અડીને ખુલ્લી જમીનમાં લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ અગાઉ મંજુરી આપી છે અને બાદમાં ત્યાં ફેન્સીંગ વોલ સહિતના કામો મંજુર કરાયા છે અને હાલ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ  પછી રાજકોટમાં પણ સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે અને આજ સુધીમાં 50થી વધુ સિંહોનો અહીં જન્મ થયો છે, હાલ ઝૂમાં કૂલ 12 સિંહો છે.