જૈનોના યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વત પર સિંહે દેખા દેતા યાત્રાળુઓમાં ફેલાયો ભય
પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ શેત્રુંજ્યના પર્વત પર અને આજુબાજુના વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે. જોકે સિંહએ હજુ સુધી કોઈ નુકશાન કર્યું નથી, પરંતુ પર્વત પર જતાં યાત્રાળુઓમાં ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વનરાજોનું લોકેશન મેળવીને તકેદારી રાખવામાં આવી રહી છે.
જૈનોના ધાર્મિક સ્થળ એવા શેત્રુંજય તીર્થ સ્થળે આખા દેશમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. પાલીતાણાના શેત્રુંજય પર્વત તથા ગિરિરાજની તળેટીમાં વનરાજો લટાર મારતા જોવા મળી રહ્યા છે. હમણાં જ બે દિવસ પહેલા શેત્રુંજય પર્વત પર વરસાદી વાતાવરણ વચ્ચે વનરાજે લટાર મારતા પર્વત પરના કોઈ યાત્રિકે તેનો વિડિઓ લીધો હતો. શેત્રુંજય પર્વત પર સાવજો ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શેત્રુંજય પર્વતની જેસર પાલીતાણા ગારીયાધાર વિસ્તારમાં 15 જેટલા વનરાજો વિચરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શેત્રુંજ્ય પર્વત પર પણ સિંહના આંટાફેરા વધી ગયા હોવાથી યાત્રાળુઓમાં ભય વ્યાપી ગયો છે. તાજેતરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભયંકર ગર્જના સાથે સિંહે પર્વતના યાત્રાળુઓના પગથિયાવાળો રસ્તો ક્રોસ કરતા અને તલાવડીમાં પાણી પીવા પહોંચી જતા આ સ્થળે હાજર એક યાત્રિકે તેનો વિડીયો ઉતારી આ અંગે તંત્રને જાણ કરી હતી. પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન મોટાભાગના યાત્રાળુઓ ધર્મમાં નિષેધ હોવાથી યાત્રા કરતા નથી. પરંતુ તે સિવાય રોજના દોઢથી બે હજાર યાત્રાળુઓ પાલિતાણાની યાત્રા કરતા હોય છે. વન વિભાગ દ્વારા વિડીયો મળ્યા બાદ આ અંગે તપાસ કરતા સિંહનું પગેરુ મળ્યું હોવાનું બિન સત્તાવાર પૃષ્ટિ કરી છે. આ ઉપરાંત પાલિતાણા અને જેસર પંથકમાં 14થી વધુ સિંહો આંટાફેરા કરતા હોવાનું જણાવ્યું છે. સિંહના આવવાથી લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સિંહને પકડવા પગલાં લેવાય તેવી લોક માંગણી ઉઠી છે.