ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથીઃ સુપ્રીમ કોર્ટ
અમદાવાદઃ ભારતના સંસદ ભવનમાં રાષ્ટ્રીય પ્રતિક કહેવાતા અશોક સ્થંભનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું. જો કે, અશોક સ્થંભના સિંહની પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટે અરજી ફગાવીને કહ્યું હતું કે, ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય પ્રતિકમાં સિંહની પ્રતિમા મામલે બે ધારાશાસ્ત્રીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ કહ્યું હતું કે, રાષ્ટ્રીય પ્રતીકની મંજૂર ડિઝાઇનમાં કોઈ આર્ટવર્ક કરી શકાય નહીં. આ સાથે અરજદારે એમ પણ કહ્યું કે તેમાં ‘સત્યમેવ જયતે’નો લોગો નથી. કોર્ટે કહ્યું કે આ મૂર્તિના નિર્માણમાં કાયદાનું ઉલ્લંઘન થયું નથી. 1950માં, 26 જાન્યુઆરીએ, રાજ્યનું પ્રતીક નવા રચાયેલા પ્રજાસત્તાકના પ્રતીક અને સીલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
કોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે તે વ્યક્તિના મન પર નિર્ભર કરે છે. વાસ્તવમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે સંસદ ભવન પર સિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ અંગે રાજકીય પક્ષો તરફથી પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.